- રથયાત્રાના દિવસે સંવેદનશીલ વિસ્તારમાં કરાશે હવાઈ સર્વેલન્સ
- અમદાવાદ પોલીસે રથયાત્રા રૂટ પર કર્યુ હવાઈ રીહર્સલ
- અમદાવાદ પોલીસ રથયાત્રાને લઈ સજ્જ
રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ સજ્જ થઈ છે,આજે સવારે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્રારા એર સર્વલન્સ કરવામાં આવ્યું હતુ.શાહપુર, દરિયાપુર, ઘી કાંટા જેવા સંવેદનશીલ વિસ્તારમાં એર સુરક્ષા રહેશે.સાથે સાથે ટેથર્ડ ડ્રોન, નિનઝા ડ્રોન, હિલિયમ બ્લુન માઉન્ટેડ કેમેરા સાથે હેલિકોપ્ટરથી થશે સર્વેલન્સ.રથયાત્રાને ટેકનોલોજી સાથે સુરક્ષા આપવામાં આવશે.
3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ
ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને લઇ અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જે હેઠળ રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર અને રૂટ પર ક્રાઇમ બ્રાન્ચે ફુટ પેટ્રોલિંગ, 3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રૂટની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં 1500 થી વધુ CCTV કેમેરા, પોલીસ જવાનો પાસે પોકેટ કેમેરા, ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. માહિતી મુજબ, મંદિર, સરસપુર અને પોળોના થ્રીડી મેપ બનાવવામાં આવશે. મોડી રાત્રે 120 બાઈકો સાથે પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ.

એરોસ્ટે બલૂન રથયાત્રામાં વપરાશે
આ વખતે ભારત-પાકિસ્તાન બોર્ડર પર સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતું ઈઝરાયેલી ટેક્નોલોજીનું હિલિયમ એરોસ્ટે બલૂન રથયાત્રામાં વપરાશે. આ બલૂનમાં 300 મીટરની ઊંચાઈથી હાઈ રિઝોલ્યુશન કેમેરા સાથે એક્ટિવ કરાશે, જે પાંચ કિલોમીટર વિસ્તારને કવર કરશે. જે તે વિસ્તારની તમામ ગતિવિધિને ઝીલી લેશે. જેથી સંવેદનશીલ વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃતિ પર નજર રહેશે અને સુપર સર્વેલન્સથી પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં એક કદમ આગળ રાખશે.

રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ
અમદાવાદમાં રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે 147 મી રથયાત્રાના રૂટ પર ફુટ પેટ્રોલિંગ અને બુલેટ માર્ચ યોજાઈ હતી. માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચ, સાઇબર ક્રાઇમ અને SOG એ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જ્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ યોજાઈ હતી. આમ રથયાત્રાના 15 કિલોમીટરના રૂટ પર બુલેટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

તમામ વિસ્તારોનું નિરીક્ષણ કર્યુ
અમદાવાદમાં યોજાનાર રથયાત્રાને અનુલક્ષી ક્રાઈમ બ્રાન્ચે સુરક્ષાની તૈયારીઓ શરૂ કરી છે. રથયાત્રા પહેલા જ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પરથી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કર્યું છે.જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થવાની છે એ તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
કોર્પોરેશને રથયાત્રાને લઈ બેઠક પણ કરી
AMC ખાતે રથયાત્રા સંદર્ભે એકતા સમિતિની બેઠક મેયર પ્રતિભા જૈનની અધ્યક્ષતામાં યોજાઇ. બેઠકમાં AMC નાં પદાધિકારી, DYMC,શહેર અધ્યક્ષ અમિત શાહ, પ્રભારી ધર્મેન્દ્ર શાહ હાજર રહ્યા હતા. પોલીસ અધિકારીઓ, ટ્રક એસોસિએશન, મંદિરના ટ્રસ્ટી અને શાંતિ સમિતિના સભ્યો બેઠકમાં ઉપસ્થિતિ રહ્યા હતા. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર થેન્નરશન હાજર ના રહેતા પદાધિકારીઓ દ્વારા ટકોર કરવામાં આવી હતી કે અગાઉની તમામ બેઠકમાં કમિશનર હાજર રહ્યા હતા. શહેર અધ્યક્ષ અમિત શાહની ટકોર બાદ કમિશનર બેઠકમાં હાજર થયા હતા.









