- પોલીસે આજે પણ રથયાત્રા રૂટ પર રિહર્સલ કર્યુ
- જગન્નાથ મંદિરથી સરસપુર ચાર રસ્તા સુધી રિહર્સલ કર્યુ
- પોલીસ કમિશનરથી લઈ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જોડાયા રિહર્સલમાં
7 જુલાઈએ ભગવાન જન્નાથજીની રથયાત્રા યોજાવવાની છે. ત્યારે અમદાવાદ શહેરમાં 23 હજાર કરતાં પોલીસ જવાન અને અન્ય જવાનો બંદોબસ્તમાં રહેશે. આજે પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું.
1400થી વધુ CCTV કેમરા સમગ્ર રૂટ પર છે
તમામ CCTVનું લાઇવ સ્ક્રીનિંગ કન્ટ્રોલ રૂમ,સર્કિટ હાઉસ અને DG ઓફિસમાં થશે,ડ્રોનનો પણ ઉપયોગ સમગ્ર રૂટની સુરક્ષામાં કરવામાં આવશે.સરસપુરમાં ભારે ભીડ હોય છે કોઈ દુર્ઘટના ના સર્જાય તેને લઈ પબ્લિક પર થોડુ રીસ્ટ્રીકશન રાખીશું.
ફૂટ પેટ્રોલિંગ સાથે નિરીક્ષણ
રથયાત્રાનો 22 કિમીનો રૂટ છે. આ સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે શહેર પોલીસ કમિશનર દ્વારા સમગ્ર રૂટ પર ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું. રિહર્સલમાં અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, QRT, CRPF સહિતના તમામ જવાનો હાજર રહ્યા હતા. કેટલીક જગ્યાએ પોલીસ કમિશનર દ્વારા ચાલીને પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સરસપુરમાં ભગવાન રોકાય છે
રથયાત્રા સરસપુર મોસાળ ખાતે લાંબો સમય સુધી રોકાય છે. ત્યાં ભગવાન જગન્નાથજીનું મામેરું પણ કરવામાં આવે છે. પોલીસ દ્વારા ચેઇન બનાવી સરસપુર રણછોડજી મંદિરથી ચાલીને મામેરું લાવવામાં આવ્યું હોય તે રીતે જય રણછોડના નાદ સાથે સરસપુર ચાર રસ્તા પાસે જ્યાં રથ ઊભા રહે છે ત્યાં સુધી ચાલીને પરત મંદિર સુધી રિહર્સલ કરવામાં આવ્યું હતું.
રિહર્સલમાં અન્ય જિલ્લાની પોલીસ બંદોબસ્તમાં જોડાઈ
રથયાત્રા પહેલા પોલીસના રિહર્સલમાં અન્ય જિલ્લાની પોલીસ બંદોબસ્તમાં જોડાઈ છે. અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરથી 7 જુલાઈના રોજ રથયાત્રાનો પ્રારંભ થશે. રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરથી સરસપુર સુધી રથયાત્રા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં 15 હજારથી વધુ પોલીસે જવાનોએ ભાગ લીધો હતો. સાથે જ 1 હજારથી વધુ ટ્રાફિક પોલીસકર્મી પણ આ રિહર્સલમાં જોડાયા હતા. રાજ્યના અન્ય જિલ્લા અને શહેર પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં જોડાવાના છે.
સુરક્ષાને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા
માહિતી મુજબ, રિહર્સલ CP અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાઈ હતી. ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા મુદ્દે ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા સફળતાપૂર્વક કોઈ પણ અડચણ વિના પાર પડે તે માટે આ બેઠકમાં સુરક્ષાને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.