AMTS બસ ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે. અમરાઈવાડી મેટ્રો પિલ્લર-36 નજીક અમરાઈવાડી ગામમાં જતાં વળાંક સમયે AMTS બસ અને ડોર ટુ ડોર કચરાની ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. જેના કારણે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને બસ ડ્રાઈવરને મારવા લીધો હતો. પરંતુ સ્થાનિક કોર્પોરેટરની દખલગીરીથી તેને બચાવીને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
અમરાઈવાડી ગામ નજીક પિલ્લર નંબર-36 પાસે બપોરના 12 વાગ્યા આસપાસ બેફામ રીતે દોડતી AMTS ની 142 ની સર્કયુલર રૂટની બસે ડોર ટુ ડોર કચરાની ગાડીને અડફેટે લીધી હતી. બસ ખૂબ જ ઝડપથી આવતી હોવાના કારણે અને ખોટી રીતે ટર્ન માર્યો હોવાના કારણે મોટો અવાજ થયો હતો અને આસપાસના લોકો પણ બહાર દોડી આવ્યા હતા. આ પછી સ્થાનિક કોર્પોરેટર પણ તરત બહાર નીકળી આવ્યા હતા. આ દરમિયાન સ્થાનિકોનો AMTS બસના ચાલક પર ગુસ્સો ફૂટી નીકળ્યો હતો. જો કે AMC ના કચરા લઈને જતા વાહનને પણ મોટું નુકસાન થયા હોવાના કારણે બસ ડ્રાઈવર વિરુધ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. લોકોનો આરોપ છે કે, જો ડોર ટુ ડોર ગાડીના બદલે અન્ય કોઈ પ્રાઈવેટ વાહન હોત તો મોટું નુકસાન થયું હોત અને લોકો મોટી સંખ્યામાં ઈજાગ્રસ્ત થયા હોત.










