ઉનાળાની ઋતુ શરૂ થતાં જ શહેરના પૂર્વ વિસ્તારના વિકાસની તમામ પોલ ખુલી રહી છે. જેમાં પાણીની સમસ્યા સાથે લોકોની વિવિધ સમસ્યાઓ માથું ઉંચકી રહી છે.
બીજી તરફ ગંદકીના કારણે લોકોને પોતાના ઘરોની બહાર નિકળવું પણ મુશ્કેલ બની રહ્યું હોવાની ફરિયાદ હાથીજણમાં બળોદરા ગામની આસપાસના લોકો કરી રહ્યા છે. જે પછી બહેરા તંત્રથી કંટાળીને ગામની 50થી વધુ મહિલા અને પુરૂષોએ વોર્ડ ઓફિસ પર જઈને વિરોધ નોંધાવ્યો હતો. આ તરફ જ્યારે તંત્રએ ટૂંક સમયમાં ફરિયાદનો નિકાલ આવશે કહીને મામલો થાળે પાડયો હતો.
પૂર્વમાં પાણી અને ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હજી તો ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યાં પાણીની અછત સાથે ગટરો ઉભરાઈ જવાની ફરિયાદો આવી રહી છે. આ અંગે રામોલ-હાથીજણની નજીક આવેલા બળોદરા ગામ પાસે વિવેકાનંદ નગરની આસપાસના વિસ્તાર જેમાં પણ દેવભૂમિ બંગ્લોઝ, ગોકુલ ધામ સોસાયટીમાં છેલ્લા ઘણાં સમયથી બોરની વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવી નથી. તેમજ ખાળ કૂવાની પણ વર્ષો પહેલાં વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ તેના માટેની લાઈન નાખવાથી લઈ સોસાયટીને પરમિશન આપવા અંગેની કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ સાથે સ્થાનિક સરકારી કાર્યાલય પર હલ્લાબોલ કર્યો હતો. જેમાં સ્થાનિકોએ રજુઆત કરતાં જણાવ્યું કે, લાંબા સમયથી સોસાયટીમાં ગટરની લાઈનના કનેક્શન માટે રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ તેને હજી સુધી પૂર્ણ કરવામાં આવી નથી. આ તરફ પાણીનો બોર કૂવો પણ તંત્ર દ્વારા બનાવવામાં આવ્યો નથી. જ્યારે સોસાયટીના સ્થાનિકો દ્વારા 2013થી રજૂઆત કરવામાં આવી રહી છે. તેમજ આ અંગે ગૃહ વિભાગમાં રાજ્ય સરકારને પણ રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી.
આ તરફ અધિકારીઓએ સ્થાનિકોની ફરિયાદ સાંભળીને ટૂંક સમયમાં નિકાલ લાવવામાં આવશે કહીને સંતોષ માન્યો છે. પરંતુ જરૂરી નક્કર કાર્યવાહી ક્યારે શરૂ થશે તેના અંગે કોઈ જ જવાબ આપ્યો નથી. આ અંગે નિરાકરણ લાવવા માટે કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું છે.