નિકોલના ગોપાલ ચોક પાસેની વિવિધ સોસાયટીઓમાં છેલ્લા 8-9 મહિનાથી છાશવારે ગટર ઉભરાઈ જવાની સમસ્યા સામે આવે છે. 30થી વધુ સોસાયટીના બે હજારથી વધુ મકાનના રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા છે.
આ વચ્ચે મુખ્ય રોડ પર ગટરના ગંદા પાણી ભરાઈ જવા સામે સ્થાનિકોએ આખરે ઝોનલ કચેરીએ પહોંચીને હલ્લાબોલ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકોનું ટોળું ભેગું થઈ જતાં અધિકારીઓ ભાગી ગયા હતા. જે પછી અન્ય એડ.સીટી એન્જિનિયર હાજર રહેતા તેમને ગટરના ગંદા પાણીમાં ચલાવીને પરિસ્થિતિથી વાકેફ્ કરાવ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટરે મેયર સમક્ષ સમગ્ર બાબતની રજુઆત કરી છે. જેમના પરથી કમિશ્નરે પણ આગામી બે દિવસમાં નીચાણવાળા વિસ્તારમાં લાઈન નાખવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી બાંહેધરી આપી છે.
આ અંગે સ્થાનિકોએ ફરીયાદ કરતાં જણાવ્યું કે, આજે ગોપાલ ચોક પાસે હજારોની સંખ્યામાં હજારો મકાનોમાં રહેતા રહીશો છેલ્લા ઘણાં સમયથી મુખ્ય રોડ ઉપર ગટરના ગંદા પાણી ભરાઈ જવાના કારણે સવારે આઠ વાગ્યાથી લઈ સાંજ સુધી નદીની જેમ વહેતા ગંદા પાણી માંથી પસાર થતાં રહે છે. એટલું જ નહીં ગટરના ગંદા પાણી પીવાના પાણીની લાઈન સાથે ભેગા થઈ જતા હોય તેના કારણે ઘેર ઘેર બીમારીના ખાટલા ચાલુ હોય છે. આ અંગે ઘણા સમયથી અનેક વખત મ્યુનિ. કોર્પોરેશન પૂર્વના કમિશનરને રજૂઆત કરવા છતાં છેલ્લા એક વર્ષથી તેનું કોઈ નિરાકરણ લાવી શક્યા નથી. આ ઉપરાંત ઝોનના કમિશ્નરને પણ ઘણી રજૂઆત કરવા છતાં સ્થળ ઉપર આવતા નથી અને પ્રજાની સમસ્યાનો નિરાકરણ કરતા નથી. તેથી પ્રજા ત્રાહિમામ પોકારી જતા રોડ પર ઉતરી મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને અર્બન સેન્ટરમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આ સમયે અધિકારી ઓફ્સિની અંદર તાળાઓ મારી ક્યાંક સંતાઈ ગયા હતા અને ભાગી ગયા હતા. આ પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને પોલીસ બોલાવી અને ઓફ્સિ પર ટોળા ખોટી રીતે નુકસાન કરે છે એવી વાત કરી હતી. જોકે પ્રજા પોતાનો ન્યાય માંગી રહી હતી અને આખરે મ્યુનિ. કોર્પોરેશનના ડ્રેનેજ વિભાગના મુખ્ય અધિકારી આવી જતા સમગ્ર ત્રાસી ગયેલી જનતાએ રજૂઆત કરી હતી અને તેમણે પોતાની નિષ્ક્રિયતા છુપાવવાની સાથે પ્રજા પાસે બે મહિના માંગ્યા હતા પણ જે દસ વર્ષમાં ન કરી શક્યા છેલ્લા આઠ મહિનામાં ન કરી શક્યા તે હવે કેવી રીતે બે મહિનામાં કરી શકશે એ વાત પ્રજાએ કરતા પ્રજા તેમને રૂબરૂમાં જ્યાં ગટરના પાણી ભરાયા છે ત્યાં લઈ ગયા હતા અને અધિકારી પણ આ પાણીમાં ચાલવા માટે પ્રજાની સાથે મજબૂર થઈ ગયા હતા અને પોતાના અધિકારીઓને બોલાવી સ્થિતિનો નિકાલ લાવવાની કોશિશ કરી હતી.
સ્થાનિકોનો આક્રોશ જોતા અધિકારીએ બાંહેધરી આપી
આ અંગે અધિકારીએ જણાવ્યું કે, હાલમાં ચોમાસા પહેલા કાયમી સોલ્યુશન લાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. 310 ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની ક્ષમતા વધારવામાં આવી રહી છે. ગોપાલ ચોક પાસેથી એક રાઈઝિંગ લાઈન સીધી ખારીકટમાં જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં જ વધારાનું પાણી જમા થઈ રહ્યું છે તેને જીવણવાળી પર પણ ટ્રાન્સફ્ર કરવામાં આવી રહ્યું છે. હાલમાં ડ્રેનેજ લાઈન સ્ટેન્થનિંગ કરવા ગોપાલ મુક્તિધામ સુધી લાઈન નાખવા માટેની તમામ કામગીરી ચાલી રહી છે જેનો સમયસર નિકાલ કરવામાં આવશે.