સ્માર્ટ અને હેરિટેજ સિટી તરીકેની ઓળખ મેળવ્યા બાદ હવે અમદાવાદ ભૂવા સિટી તરીકે ઓળખાવા લાગ્યું છે. શહેરમાં સિઝન કોઈપણ ઋતુની હોય રસ્તા પર ભૂવા પડવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. શહેરમાં ભર ઉનાળે અંગ દઝાડતી ગરમીમાં ભૂવો પડવાનો બનાવ સામે આવ્યો છે. મકરબા મેઈન રોડ સિક્સ લેન બન્યાને હજી વધુ સમય નથી થયો ત્યાં ભૂવો પડતાં એક રિક્ષા ભૂવામાં ખાબકતાં ડ્રાઈવરને ઈજા પહોંચી હતી.
રિક્ષા ચાલકને પણ ઈજા થતાં લોહિલુહાણ થયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરના મકરબામાં મેઈન રોડ પર ભૂવો પડ્યો હતો. એક રિક્ષા ચાલક અહીંથી પસાર થતો હતો તે દરમિયાન તેનું ધ્યાન ચૂક થતાં રિક્ષા ભૂવામાં ખાબકી હતી. પહેલા એક નાનકડો ખાડો હતો પણ રોડ બેસી જતાં ધડાકા સાથે ભૂવો પડ્યો હતો. આ ભૂવામાં રિક્ષાનો આગળનો ભાગ ગરકાવ થયો હતો.જેમા રિક્ષાનો બુકડો બોલી ગયો હતો. રિક્ષા ચાલકને પણ ઈજા થતાં તે લોહિલુહાણ થઈ જતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ સ્થળે ફ્લાય ઓવરની કામગીરી ચાલી રહી છે
ભૂવામા રિક્ષાનો આગળનો ભાગ ગરકાવ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતાં. રિક્ષા ચાલકને બહાર કાઢ્યો તો તેના ચહેરા પર કાચ વાગ્યા હતાં. પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને ટ્રાફિકને ક્લિયર કરાવ્યો હતો. આ સ્થળે ફ્લાય ઓવરની કામગીરી ચાલી રહી છે. તે ઉપરાંત આ રસ્તો સિક્સ લેન છે જેને તાજેતરમા જ બનાવવામાં આવ્યો છે.









