નિકોલમાં હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. જેના કારણે લોકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે રજાના દિવસે વિવિધ સ્થાનો પર ગટર ઉભરાઈ જવાની સમસ્યા સામે આવી છે.


જેમાં વગર વરસાદે અલગ અલગ ત્રણ સ્થાનો પર ગટર ઉભરાઈ જવાના કારણે ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હતા. જેમાં નિકોલના અમર જવાન સર્કલ, ગોપાલ ચોક અને શરણમ રેસીડન્સી નજીક ગટર ઉભરાતા ગંદા પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વગર વરસાદે લોકો ગંદકીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા હતા. આ અંગે સ્થાનિકોનો આરોપ છે કે, છેલ્લા છ મહિનાથી 36 જેટલી સોસાયટીઓના સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે છતાં કોઈ જ પગલાં ભરવામાં આવી રહ્યા નથી. જેના અંગે ચૂંટાયેલા કોર્પોરેટરોને પણ રજુઆત કરી છતાં કોઈ જ પગલાં ભરવામાં આવી રહ્યા નથી. આ માટે જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જણાવ્યું કે, આ માટે તાકીદે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ લોકોમાં હવે રોગચાળો ફેલાવવાનો ભય વધી રહેલો છે.

નિકોલ વોર્ડમાં વારંવાર ગટરના પાણી ઉભરાવાની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે ફરી એકવાર ગોપાલચોક, અમરજવાન સર્કલ અને કણબા હોસ્પિટલ નજીક શરણમ રેસીડન્સી પાસે ગટર ઉભરાતા તેના ગંદા પાણી રોડ પર ફરી વળ્યા હતા. વગર વરસાદે પણ રોડ પર પાણી ભરાઈ રહેતા હોવાથી લોકોને અવરજવર કરવામાં હાલાકી ભોગવવી પડે છે. એટલું જ નહીં ગંદા પાણીની દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જેમાં સ્થાનિકોનો આરોપ છે કે, દરરોજ સવારના 11 વાગે ગટરના પાણી ભરાઈ જાય અને રાત્રે 9 વાગ્યા સુધી ગંદા પાણી ભરાયેલા રહે છે. જેના કારણે આસપાસના સ્થાનિક દુકાનદારો છેલ્લા 6 મહિનાથી વેપાર ધંધા વગર બેઠેલા છે. ગટરના પાણી ભરાઈ જતા લોકો ખરીદી કરવા માટે દુકાને આવતા જ નથી. તેમજ કણબા હોસ્પિટલ નજીક ગટરના પાણી ભરાય છે, ત્યાં જ પાસે સ્કૂલ આવેલી છે. ત્યારે બાળકો આવા જ ગંદા પાણીમાંથી પસાર થઈને સ્કૂલે જવા મજબૂર બન્યા છે તો સોસાયટીમાં પણ ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છ આ માટે અધિકારીઓને પણ વારંવાર રજુઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ જ પગલાં ભરવામાં આવી રહ્યા નથી.


  • Follow us on: