એક તરફ તંત્ર દ્વારા પાણી અને ગટર લાઈન નાખવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે બીજી તરફ તરફ કામગીરી બાદ રોડ રિપેરિંગ ન કરવામાં આવતાં સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
અમરાઈવાડી રિંગરોડથી અમરાઈવાડી પોલીસ સ્ટેશન સુધી પાણીની લાઈન નાખવાનો એક મહિનાથી પણ વધુનો સમય થઈ ગયો છે તેમ છતાં રોડ ડામરનો રોડ બનાવવામાં આવ્યો નથી. જેના કારણે લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ખરાબ રસ્તાના કારણે રાહદારીઓને પણ મુશ્કેલી ઉભી થઈ રહી છે.
ઠેર ઠેર નવા પાણી અને ગટર લાઈન નાખવા માટેની કામગીરી ચોમાસાની શરૂઆત પૂર્ણ કરવા માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. પરંતુ લાઈન નાખ્યા બાદ રોડ રિપેરિંગની કામગીરી સમયસર કરવામાં ન આવતાં સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. અમરાઈવાડીમાં મહિના પહેલાં લાઈનોનું કામગીરી કરવામાં આવ્યું છે. જેના કારણે રોડ ઉપર ઠેર ઠેર કપચીના પથ્થરોના કારણે રસ્તો સમતલ ન બનતા વાહનચાલકો વાહનો પરથી નીચે પટકાઈ રહ્યા છે. એટલું જ નહીં વાહનોમાં પંક્ચર તેમજ ટાયરો ફટી રહ્યા હોવાની પણ ફરિયાદ રહી છે. તેમજ કમર ના દુખાવા સહિતની સમસ્યાઓ ઉભી થઈ છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠી છે.
બીજી તરફ આ માર્ગના બંને છેડા પર મ્યુનિસિપલ સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે આ કપચીના રોડ પરથી વાહનો પસાર થતા હોઈ તેના કારણે આખો દિવસ ધૂળની ડમરીઓ ઉડતી હોવાના કારણે મુખ્ય બજારમાં આવતા લોકો અને દુકાનદારો ભારે હાલાકીમાં મુકાયા છે. જેના અંગે રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી ન હોવાનો સ્થાનિકોનો આરોપ છે.