શહેરમાં ઠેરઠેર પ્રી-મોનસુન માટેની કામગીરી જોરશોરથી આગળ વધી રહી છે. ત્યારે પૂર્વના નારોલથી નરોડા અને ખારીકટ કેનાલથી લઈ આર.સી.સી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે.
આ વચ્ચે શહેરમાં 15 જૂનથી ચોમાસાની વિધિત્ શરૂઆત થઈ જાય છે ત્યારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડ અને ઝોનમાં જરૂરી કામગીરીઓ સમયસર પૂર્ણ કરવા માટે સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે. જેના માટે લોકોની રજુઆત છે કે, અધિકારીઓની ખાસ મિટિંગ બોલાવવામાં આવે અને તાકીદે કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવે, જેથી સ્થિતિની સમીક્ષા કરીને કામગીરીનો નિકાલ આવી શકે.
એક તરફ સમગ્ર પૂર્વ ઝોનના નિકોલ, વસ્ત્ર્રાલ, ઠક્કરબાપા નગર, વિરાટનગર, ઇન્ડીયા કોલોની, ઓઢવ, નરોડા તથા વટવા વોર્ડમાં મોટા પાયે રોડ તથા પીવાના પાણી અને વરસાદી પાણીની લાઇનો નાખવાની કામગીરી ચાલી રહી છે. ઉપરાંત નરોડાથી વિરાટનગર-ઓઢવ સુધીની ખારીકટ કેનાલના ડેવલપમેન્ટની કામગીરીમાં પણ માત્ર 30% કામગીરી બાકી હોવાની વિગતો અધિકારી દ્વારા આપવામાં આવી રહી છે. ચોમાસા પહેલાં પૂર્ણ કરવામાં નહિ આવે તો આ વિસ્તારના નાગરિકોની પરેશાનીનો પાર નહિ રહે.
ખારીકટ કેનાલની બંને બાજુએ સર્વિસ રોડ બિસમાર હાલતમાં છે અને જો આ કેનાલનું જેટલું કામ બાકી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે તો પરોડ રસ્તાની સમસ્યામાંથી પણ રાહદારીઓને રાહત મળી રહે તેમ છે. આ તરફ કેનાલમાં વરસાદ અને ગટરનું પાણી આવી જતું હોય છે, જેના કારણે દિવાળી સુધી કેનાલની કામગીરી બંધ રહે છે અને ઘણી વાર કેનાલની કામગીરીને પણ અડચણોનો સામનો કરવો પડે છે. ઉપરાંત વરસાદની તીવ્રતા વધારે હોય ત્યારેં પાણી રસ્તા સુધી આવી જાય છે. આ સ્થિતિમાં મ્યુનિ. કોર્પોરેશનના કમિશનર અધિકારીઓ સાથે મીટિંગ કરીને તમામ વોર્ડમાં અને ઝોન કક્ષાએ પ્રિમોનસુન કામગીરીનું આયોજન કરવામાં આવે તેવી સ્થાનિકોની રજુઆત છે.