અમદાવાદમાં ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
હાલ વિરાટનગર, ઓઢવ ફાયર સ્ટેશન, નિકોલ કોઠિયા હોસ્પિટલ પાસે, અર્બુદાનગર, ઓઢવ રબારી વસાહત ભવાની નગર, નરોડા-દહેગામ રોડ સહિતના વિસ્તારોમાં મુખ્ય રોડ તોડીને બંધ કરી દેવાયા છે. જેના કારણે વાહનચાલકોએ ફરી ફરીને અવર-જવર કરવાની હાલ ફરજ પડી રહી છે.
ઉડતી ધૂળ, ભારે મશીનરીની અવર-જવર, રોડ પર પડેલા લોખંડની સળિયાના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી છે. પૂર્વ અમદાવાદમાં વસતા લાખો લોકોને હાલ ખારીકટ કેનાલની કામગીરીને લઇને ભારે અડચણ પડી રહી છે. કેટલાક વિસ્તારોમાં તો ખારીકટ કેનાલ પાસે આવેલી સોસાયટીઓ, ફ્લેટોના રસ્તાઓ પણ બંધ થઇ ગયા છે. સાંકળા થઇ ગયા છે. તેઓએ વાહનો અન્ય જગ્યાએ મૂકીને પોતાના ઘરે જવાની ફરજ પડી રહી છે.
ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે. કારણકે ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા છે. ત્યારે ખારીકટ કેનાલના બંધ થયેલા રસ્તાઓ લોકોને વધુ હાલાકીમાં મુકી દેશે.