અમદાવાદમાં ચંડોળા તળાવની ડિમોલિશન કામગીરી આજે બીજા દિવસે પણ યથાવત છે. બે હજારથી વધુ પોલીસ કર્મીઓની હાજરીમાં તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો તોડવામાં આવી રહ્યાં છે. આ પહેલાં તંત્ર દ્વારા ચંડોળામાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓના વીજ કનેક્શનો કાપવામાં આવ્યા હતાં. હવે અમદાવાદ મહાનગર પાલિકાની બેવડી નીતિ સામે આવી છે. ચંડોળા તળાવમાં જ્યાં ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી છે ત્યાં એએમસીએ સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપ્યાં છે. આ વસાહત ગેરકાયદેસર છે તો ત્યાં સ્ટ્રીટ લાઈટના કનેક્શનો કેમ આપ્યા તેવા અનેક સવાલો ઉભા થયાં છે.
સ્ટ્રીટ લાઈટની સુવિધા પુરી પાડતાં એએમસીની પોલ ખુલી
અમદાવાદના ચંડોળા તળાવમાં એએમસી દ્વારા ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી આજે બીજા દિવસે પણ યથાવત છે. અગાઉ ઘૂસણખોર બાંગ્લાદેશીઓના વીજ કનેક્શનો કાપી નાંખવામાં આવ્યા હતાં. હવે ડિમોલિશનની કામગીરી દરમિયાન સ્ટ્રીટ લાઈટના કનેક્શનો કાપવામાં આવ્યાં છે. ગેરકાયદેસર ઉભી થયેલી માનવ વસાહતમાં કોર્પોરેશનની સ્ટ્રીટ લાઇટો જોવા મળી છે. એક તરફ ગેરકાયદેસર બાંધકામ તો બીજી તરફ કોર્પોરેશને સુવિધા પુરી પાડી હોવાથી સવાલો ઉભા થયાં છે.ગેરકાયદે માનવ વસાહતમાં કોર્પોરેશને સ્ટ્રીટ લાઈટની સુવિધા પુરી પાડતાં એએમસીની પોલ ખુલી છે.
મેયરે સ્ટ્રીટ લાઈટ સંદર્ભે બોલવાનું ટાળ્યુ
ચંડોળામાં ઉભી કરાયેલી માનવ વસાહત ગેરકાયદેસર છે તો શા માટે આ ગેરકાયદે બાંધકામોમાં સ્ટ્રીટ લાઈટની સુવિધા આપી. શું તંત્ર આ બાંધકામો અંગે કશું જાણતુ જ નથી? તંત્રને આ ગેરકાયદે બાંધકામોની જાણ હોવા છતાં ત્યાં સ્ટ્રીટ લાઈટની સુવિધા આપવામાં આવી છે. અમદાવાદના મેયર મેયર પ્રતિભા જૈને ડિમોલિશનની કામગીરીને યોગ્ય ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, ઘૂસણખોરો સામે ડિમોલિશન જરૂરી હતું. ચંડોળા તળાવ ડિમોલિશનથી ક્લિન કરાશે. પરંતુ તેમણે સ્ટ્રીટ લાઈટની સુવિધા અંગે બોલવાનું ટાળ્યું હતું.
લોકો પોતાનો સામાન લઈ જતાં નજરે પડ્યાં
આજે બીજા દિવસે શરૂ કરવામાં આવેલી કામગીરી દરમિયાન લોકો પોતાનો સામાન લઈ જતાં નજરે પડ્યાં હતાં. ગઈકાલે અંદાજિત બે હજાર ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા હતાં. ઘર તૂટી જતાં ત્યાં રહેતા પરિવારો બાળકો સાથે અન્ય જગ્યાએ રહેવા મજબૂર બન્યા હતાં. આજે પણ એક હજારથી વધુ ઝૂંપડા અને મકાનો તોડવાની કામગીરી શરૂ કરાઈ છે.









