ગુજરાત હાઉસિંગ બોર્ડના સત્તાધીશોની ભૂલના લીધે નારણપુરાના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2નો મામલો ઘોંચમાં પડયો છે, જેના લીધે ફ્લેટમાંથી ભાડે ગયેલા 80 ટકા સભ્યો ચિંતામાં આવી ગયા છે. ફ્લેટમાં કુલ 132 મકાનમાંથી 80 ટકા સંમતિ આપનાર સભાસદોને મકાન દીઠ મહિને રૂપિયા 15 હજાર ભાડું હાલમાં પણ ચૂકવાય છે.


બીજી બાજુ ફ્લેટમાં વિવાદ હોવા છતાં પ્રશંસા મેળવવા બોર્ડે ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટ (ત્રી-પક્ષીય કરાર) કરી દેતાં ડેવલપર્સ અને સભાસદો ધક્કે ચઢી ગયા છે. હાલમાં અમર સુરમ્ય એપાર્ટમેન્ટ, શાસ્ત્રીનગરમાં M5 8/16, M5.40/45, M.5, નિધિ એપાર્ટમેન્ટ સહિતની સોસાયટીઓમાં રિડેવલપમેન્ટના નિયમોની સમય મર્યાદા મુજબ કામગીરી થતી નહીં હોવાનું મનાય છે.

નારણપુરાના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2માં રિડેવલપમેન્ટ અંતર્ગત ઓનલાઇન ટેન્ડરથી આવેલા ડેવલપર્સ દ્વારા રજૂ કરાયેલા લે-આઉટ પ્લાન બાદ 80 ટકા સભ્યોએ સંમતિ કરાર કર્યા હતાં. જેના આધારે બોર્ડ, ડેવલપર્સ અને અને ફલેટની કમિટી વચ્ચે ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટ થયો હતો. પરંતુ બોર્ડના ઉતાવળિયા નિર્ણયથી ફ્લેટની મુશ્કેલી વધી ગઈ છે. કારણકે, એગ્રીમેન્ટ બાદ ડેવલપર્સ દ્વારા ફ્લેટના 132 સભાસદોમાંથી ભાડે ગયેલા 104 સભાસદોને મકાન દીઠ મહિને રૂપિયા 15 હજાર ભાડું શરૂ કરાયું હતું. છેલ્લા આઠ મહિનાથી ભાડું અપાય છે. બીજી બાજુ બાકીના અસંમત કુલ 27 સભ્યોમાંથી 18 સામે બોર્ડ દ્વારા કાર્યવાહી કરાઈ હતી, પરંતુ 9 સભ્યો સામે કાર્યવાહી કરાઇ નહીં હોવાની બાબત ચર્ચામાં છે. તેઓ સામે કાર્યવાહી જ કરવાની થતી ના હોય તો ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટ કરવાની ક્યાં જરૂર હતી ? તેવો વેધક પ્રશ્ન કેટલાક સંમત સભ્યોએ જ કર્યો છે. હાલ સમગ્ર મામલો હાઇકોર્ટમાં છે. જેના લીધે ત્યારે ફલેટ છોડીને ગયેલા સંમત સભ્યો માનસિક ત્રાસ વેઠી રહ્યા છે. સંમત સભ્યોએ કહ્યું કે, ઝડપી ન્યાય નહીં આવે અને ભાડું બંધ થશે તો અમે ઘરના કે ઘાટના નહીં રહીએ. બોર્ડે ઉકેલ લાવવામાં રસ લેવો જોઇએ.


  • Follow us on: