- હોસ્ટેલમાં CCTV નથી, ગેરકાનૂની પ્રવૃત્તિઓ થાય છે : વાલી
- ઉચ્ચ પોલીસ અધિકારીએ પરિવારજનોને સમજાવતા અંતે લાશ સ્વિકારી
- પ્રિન્સીપાલ એલ.ડી કોલેજ હોસ્ટેલમાં CCTV માટે સરકારને પત્ર લખશે
એલડી કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ મંગળવારે સવારે ડિપ્રેશનમાં આવીને આપઘાત કર્યા મામલે પરિવારજનોએ કોલેજમાં હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત, પરિવારજનોએ મૃતદેહ સ્વિકારવાની ના પાડતા પોલીસ દોડતી થઇ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીએ પરિવારજનોને સમજાવતા અંતે લાશ સ્વિકારી હતી.
મહત્વનું છે કે, હોસ્ટેલમાં અનેક પ્રકારની ગેરપ્રવૃતિઓ થતી હોવાનો પણ અનેક વાલીઓએ આક્ષેપો કર્યા છે. એલડી કોલેજમાં કેમિકલ એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા ઉર્વિન ચૂયાએ ડિપ્રેશનમાં આવીને મંગળવાર સવારે હોસ્ટેલમાં આવેલ એક રૂમમાં પોતાની જાતે જ બ્લેડ મારીને આપઘાત કર્યો હતો. જે બાદ પરિવારજનો તાત્કાલિકઅમદાવાદ પહોંચ્યા હતા. પરિવારજનોએ કોલેજના પ્રિન્સીપાલને મળીને હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા નથી તેવા અનેક પ્રકારના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ, પરિવારજનોએ મૃતકની લાશ સ્વિકારવાની ના પાડતા પોલીસ અને કોલેજના સ્ટાફ ગૂચવણમાં મૂક્યો હતો. જે બાદ રાજકીય નેતાઓ પણ ઘટનાસ્થળે પહોંચીને મૃતકના પરિવારજનોને મળ્યા હતા. પોલીસ અધિકારીએ પૂરતો ન્યાય મળશે તેવી ખાતરી આપતા પરિવારજનોએ બુધવારે સાંજે મૃતકની લાશ સ્વીકારી હતી.










