એક પાકિસ્તાની નાગરિક દ્વારા ભારતમાં તેની પત્ની પાસે ચાર વર્ષના બાળકની કસ્ટડી મેળવવા દાદ માંગતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરેલી રિટ અરજી જસ્ટિસ સંગીતા વિશેણ અને જસ્ટિસ સંજીવ ઠાકરે ફ્ગાવી દીધી છે. પાકિસ્તાની પતિ તરફ્થી બાળકને ગેરકાયદે ગોંધી રાખવા ઉપરાંત તેના નાગરિકત્વ, સાંસ્કૃતિક મૂલ્યો અને પરંપરાનો આધાર રજૂ કરી બાળકની કસ્ટડી મેળવવા માંગણી કરી હતી. જો કે, હાઇકોર્ટની ખંડપીઠે તેની માંગણી નકારી કાઢી હતી.


કેસની વિગતો મુજબ, વર્ષ 2019માં આ યુગલના પાકિસ્તાનના કરાચી ખાતે લગ્ન થયા હતા અને લગ્નજીવનમાં તેમને એક પુત્ર જન્મ્યો હતો. બાદમાં પતિ-પત્ની વચ્ચેની તકરારમાં પત્ની પોતાના બાળકને લઇ ટૂરિસ્ટ વિઝા પર ભારતમાં આવી ગઇ હતી. તે પાકિસ્તાની પાસપોર્ટ ધરાવે છે. મહિલાના પતિએ પાવર ઓફ્ એટર્ની મારફ્તે ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોર્પસ અરજી કરી બાળકની કસ્ટડી મેળવવા દાવો કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેની પત્ની ગેરકાયદેસર રીતે તેમના બાળકને લઇ ભારતમાં આવી ગઇ છે અને તે તેના સુરત ખાતેના પિયરમાં રહે છે. ભારતમાં આવ્યા બાદ તેણીએ અરજદાર સાથેના વ્યવહારો બંધ કરી દીધા છે અને તેથી અરજદારને બાળકના ભવિષ્યની ચિંતા અને દહેશત છે કે તે કદાચ પાકિસ્તાનમાં પરત નહી આવે.

અરજદારે ગાર્ડીયન એન્ડ વોર્ડસ એકટ હેઠળ કરાચીની ફેમીલી કોર્ટમાં પણ બાળકની ક્સ્ટડી મેળવવા અરજી દાખલ કરેલી છે અને પત્નીના જવાબ માટે કોર્ટે નોટિસ કાઢી છે પરંતુ તે ભારતમાં હોવાથી તેને નોટિસ બજી શકી નથી. સરકારપક્ષ તરફ્થી પાકિસ્તાની પતિની અરજીનો વિરોધ કરતાં જણાવાયું કે, બાળક તેની જૈવિક માતાના કબ્જામાં છે અને તેથી તેને ગેરકાયદે ગોંધી રખાયુ હોવાનું કહી ના શકાય. તેથી પાકિસ્તાની નાગરિકની હેબિયર્સ કોર્પસ અરજી ટકી શકે તેમ જ નથી. હાઇકોર્ટે અરજદાર પતિની રિટ અરજી ગ્રાહ્ય રાખવી જોઈએ નહીં.


  • Follow us on: