અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરાશે. પતંગ રસિયાઓ આજે ધાબાઓ પર ચઢીને આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાવી પેચ કાપવાની મજા માણશે. પવનની ગતિ પણ 15 થી 20 કિ.મી.પ્રતિ કલાકની રહેવાની આગાહી વચ્ચે પતંગ રસિયાઓને પતંગ ચગાવવા વધારે ઠુંમકા મારવા નહીં પડે.


પતંગની સાથે સાથે લોકો ઊંધિયા-જલેબી ખાવાની પણ ભરપર મજા માણશે. વહેલી સવારથી જ વિવિધ પ્રકારના પીપુડાઓના અવાજ, લોકોનો એ...કાપ્યો છે...ના ગગનભેદી ઉત્સાહજનક કીકીયારીઓથી શહેરના ધાબાઓ ગૂંજી ઊઠશે. અમદાવાદ શહેરની ઉત્તરાયણ દેશભરમાં પ્રખ્યાત છે. તેમાંય જુના અમદાવાદમાં પોળોના ધાબાઓ પર પતંગ ચગાવવાની મજા માણવી એક લહાવો છે. તા.14 જાન્યુઆરીને મંગળવારે ઉત્તરાયણના દિવસે શહેરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ જશે. ધાબાઓ માનવભીડથી છલકાશે અને ડિજેના તાલે, બોલીવુડના ગીતો સાથે પતંગ ચગાવવાની સાથે નાચગાન મોજમસ્તી કરતા લોકો જોવા મળશે.

બજારોમાં વસાણાની પણ ધૂમ ખરીદી જોવા મળી હતી. તલ, સિંગની ચિક્કી, મમરાના લાડું, કચરિયું વગેરેની ખરીદી માટે પણ બજારોમાં છેલ્લી ઘડી સુધી ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત બાળકોએ સનગ્લાસ, ટોપીની પણ ખરીદી કરી હતી. આમ રોડ પર ઉત્તરાયણ નિમિતે વેચાઇ રહેલી તમામ વસ્તુઓની ભારે ખરીદી વચ્ચે ઉત્તરાયણના તહેવારનો બરાબર માહોલ જામ્યો હતો. અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઊંધિંયા -જલેબીના સ્ટોલ સોમવાર સવારથી જ લાગી ગયા હતા. બોરના ઢગલાઓ અને શેરડીઓ રોડ પર ખડકી દેવામાં આવી હતી. સોમવારે મોડી સાંજે બજારમાં ઉત્તરાયણને લઇને ધૂમ ખરીદી નીકળી હતી. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ બે દિવસમાં અમદાવાદીઓ હજારો કિલો ઉંધિંયું ઝાપટી જશે. અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં 400થી લઇને 650 રૂપિયે કિલોના ભાવે ઉંધિયું અને જલેબીનો ભાવ પણ જુદાજુદા વિસ્તારો મુજબ 600થી 800 રૂપિયે કિલોનો ભાવ બોલાઇ રહ્યો છે.

ઉત્તરાયણના આગલા દિવસે રાયપુર પતંગ બજારમાં મોડી રાત સુધી ખરીદી ચાલી હતી. આ વખતે ભાવ વધારે હોવા છતાંય પતંગ બજારો ગ્રાહકોની ભીડથી ઉભરાયા હતા. શહેરના વિવિધ મંદિરોમાં પણ મકરસંક્રાંતિની ભવ્ય ઉજવણી થનારી છે. જેમાં સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાનને પતંગ-દોરોની વિશેષ શણગાર પણ કરવામાં આવનાર છે. મકરસંક્રાંતિ નિમિતેનદીમાં સ્નાનનો મહિમા હોવાથી લોકો નદીમાં સ્નાન કરવા પણ ઉમટી પડશે. આ દિવસે દાન આપવું અને પશુઓને ઘાસચારો નીરવાની પ્રથા હોવાથી લોકો આ ધાર્મિક કાર્યોમાં પણ વ્યસ્ત બનશે.

ઉત્તરાયણમાં ચિક્કીનું પણ વિશેષ મહત્ત્વ

ગુજરાતીઓ હંમેશા ખાવાના શોખીન તરીકે ઓળખાય છે ત્યારે ધાર્મિક વૈજ્ઞાનિક કે આયુર્વેદિક કોઈપણ દૃષ્ટિએ ઉતરાયણના સમયે ચીક્કીનું સેવન કરવું સ્વાસ્થ્યવર્ધક છે. ઉતરાયણના દિવસે સૂર્યપૂજાનું આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે. કડવી વાતો ભૂલીને નવી શરૂઆત કરવા માટે આ દિવસે તલના લાડુ ચીક્કી ઉમરાના લાડુ અને બરફી જેવી મીઠી વાનીઓ ખાવામાં આવે છે. ઉતરાયણના દિવસે તલ અને ગોળની ચીક્કી બનાવવામાં આવે છે.

ઉત્તરાયણમાં શેરડી, બોર, શક્કરિયા, ઊંધિયા માટેના મુઠિયા, જલેબી ઘઉંના ખીચડા સહિતની સ્વાદિષ્ટ વાનગીઓ લોકો દિવસભર ધાબે બેસીને માણતા હોય છે. જેના કારણે હાલ માર્કેટમાં આ તમામ વાનગીઓ ખરીદવામાં ભારે ધસારો જોવા મળી રહ્યો હતો.

અમદાવાદમાં પતંગના દોરાથી 424 પક્ષીઓ ઘાયલ થયા !

અમદાવાદ શહેરમાં ઉત્તરાયણના આગલા દિવસે સોમવારે પતંગ દોરાથી 275 પક્ષીઓ ઘાયલ થયા હતા. જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ થયેલા પક્ષીઓની સર્જરી પણ કરવાની ફરજ પડી હતી. આમ છેલ્લા ચાર દિવસમાં અમદાવાદમાં 424 પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થયા છે.

  • Follow us on: