ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ પેટા ચૂંટણીને લઈ 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને મત ગણતરી હાથ ધરાશે. 26 મેથી ફોર્મ ભરવાની શરુઆત થશે. 2 જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને 3 જૂને ફોર્મ ચકાસણી હાથ ધરાશે. ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 5 જૂન છે. કડી બેઠક ધારાસભ્યના નિધન બાદ ખાલી પડી હતી અને વિસાવદરથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હવે કડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસના સંભવિત દાવેદારોના નામ સામે આવ્યાં છે.


[[$googlead]]

ભાજપ અને કોંગ્રેસના આ દાવેદારોના નામ ચર્ચામાં

કડી બેઠક પર ભાજપમાંથી લ્હોર ગામના સરપંચ સુરેશભાઈ પરમાર અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર મુખ્ય દાવેદાર હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત કડી નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અશોકભાઈ પરમાર પણ દાવેદારોની રેસમાં હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ કોંગ્રેસમાંથી એડવોકેટ પ્રવિણભાઇ પરમાર અને કડીના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ ચાવડા મુખ્ય દાવેદાર હોવાનું જાણવા મળ્યું છે. કડી બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી કોણ દાવેદાર છે તે અંગે હજી અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.

[[$alsoread]]

વિસાવદરમાં ત્રિપાંખિયો જંગ

વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસ તરફથી હજી કોઈ ઉમેદવાર કે દાવેદારનું નામ સામે આવ્યું નથી. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે. આ બેઠક પર કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જેથી હવે આ બેઠક પર ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી યોજાશે. ભાજપ અને કોંગ્રેસ બંને બેઠકો પર જીત મળવાના દાવા રજૂ કર્યાં છે.


  • Follow us on: