કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદ અને હોમિયોપેથિકમાં પ્રવેશ મેળવ્યા બાદ રદ કરાવવાની વિદ્યાર્થીઓની પ્રથમવાર તક આપવામાં આવી હતી. એ મુજબ રાજ્યમાં આયુર્વેદ અને હોમિયોપેથિકમાં 90 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ કરાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 143 બેઠકો ખાલી પડી હતી.
આમ ખાલી પડેલી 143 બેઠકોમાં રદ થયેલ પ્રવેશની બેઠકોનો ઉમેરો થતાં ખાલી બેઠકોની સંખ્યા 233ને પાર પહોંચી જશે. ખાલી બેઠકોની સરખામણીએ તાજેતરમાં જાહેર કરેલા પ્રોવિઝનલ મેરિટમાં નવા 284 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ આયુર્વેદ અને હોમિયોપેથીકમાં પણ હવે પછી યોજાનાર રાઉન્ડમાં બેઠકો ભરાઈ જવાનો અંદાજ છે.
આયુષ મંત્રાલય દ્વારા ખાલી બેઠકોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળે અને બેઠકો ભરાય એ માટે પર્સન્ટાઇલમાં ઘટાડો કરી ઓપન-ઈડબલ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 35 પર્સન્ટાઇલ અને SC, ST, અને OBCના વિદ્યાર્થીઓ માટે 25 પર્સન્ટાઈલ કટઓફ કરાયું છે. કટઓફમાં ઘટાડો કરાતાં તાજેતરમાં જાહેર થયેલા પ્રોવિઝનલ મેરીટમાં 284 વિદ્યાર્થીનો સમાવેશ કરાયો હતો. બીજી તરફ ચોથો રાઉન્ડ લંબાવવાની કાર્યવાહી વચ્ચે જાહેર થયેલ નવી ગાઈડ લાઈન, જે મુજબ અત્યાર સુધીમાં જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો હોય પણ રદ કરવવાની ઈચ્છા હોય એવા વિદ્યાર્થીઓને પ્રવેશ રદ કરાવવાની તક આપવામાં આવે. કેન્દ્રની ગાઇડલાઇન મુજબ પ્રવેશ સમિતી દ્વારા આગામી તા.23મી સુધીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ રદ કરવાની તક આપી હતી. જેમાં 90 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ કરાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.