ખારીકટ પ્રોજેક્ટની કામગીરી એક તરફ ચાલી રહી છે. ત્યારે મ્યુનિ.ની ઘોર બેદરકારી સામે આવી છે.
મણિનગર ગોરના કુવા પાસેની ખારીકટ કેનાલ પાસે પંદર દિવસ પહેલા સામાન્ય રસ્તો બેસી ગયો હતો જેમાં તંત્ર દ્વારા લાપરવાહી દાખવામાં આવી હતી. દિવસે ને દિવસે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. જેમાં હવે રસ્તા પર મસ મોટું ગાબડું પડી ગયું છે. છતાં પણ મ્યુનિ દ્વારા કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી નથી.
પૂર્વ વિસ્તારમાં રોડ રસ્તાની હાલત ચોમાસાની શરૂઆત પહેલા જ અંત્યત બિસમાર જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હજી થોડાં સમય પહેલાં જ મણિનગર ગોરના કુવા પાસેની ખારીકટ કેનાલ પાસે 100 મીટરનો રસ્તો બેસી જવાના કારણે તેના રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી. આ પછી હવે 20 ફૂટનો રસ્તો બેસી જવાના કારણે ફરી ગટર લાઈનની પાઈપો દેખાવવા લાગી છે અને લોકોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલી ઉભી થઈ હતી. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા પણ માત્ર બજેટમાં મોટા આંકડા દર્શાવીને લોકોને આંજી દેવાની રમત રમાઈ રહી છે. જેની વરવી વાસ્તવિકતા શહેરના રસ્તાઓ પર જોવા મળી રહી છે. તંત્ર દ્વારા રસ્તાની કામગીરી કરવામાં ન આવતા આસપાસના સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. રાત્રીના સમયે અકસ્માત સર્જાવાની ઘટના પણ બને છે. 15 દિવસથી રજૂઆત કર્યા બાદ પણ કામગીરી કરવામાં ન આવતા રસ્તા બેસી જવાની સમસ્યા સર્જાઈ છે. હવે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબાદારી કોની રહેશે તેવા પ્રશ્નો સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યા છે. તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવે તેવી માગ ઉગ્ર બની છે.