એક તરફ ચોમાસાની શરૂઆત પહેલાં જરૂરી કામગીરી પૂર્ણ કરવા માટે મ્યુનિ. કોર્પોરેશનમાં કમિશ્નર દ્વારા સૂચના આપવામાં આવી છે. તેમજ વિવિધ ઝોનમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ તરફ જૂન-2024માં ભાઈપુરામાં આવેલા ભગવતીનગર રોડના અંદાજિત દોઢ કિમીનો રોડ બનાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છતાં હજી સુધી રોડ બનીને તૈયાર થયો નથી. જ્યારે ચોમાસાની શરૂઆત પણ એક મહિનામાં થવા જઈ રહી છે ત્યારે સ્થાનિકોને મુશ્કેલી ઘટવાનું નામ નથી લઈ રહી. આ તરફ રોડની કામગીરી દરમિયાન પાણીની લાઈનમાં ભંગાણ થવાના કારણે પાણી વેડફાય રહ્યું છે અને પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળી રહી છે છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવી રહ્યા ન હોવાની સ્થાનિકોની ફરિયાદ રહેલી છે.
આ અંગે ફરિયાદ કરતાં સ્થાનિકે જણાવ્યું કે, હાટકેશ્વર સર્કલથી હાઈવે તરફ જતાં સાગર એપાર્ટમેન્ટ, બાગે ફિરદોશ પોલીસ લાઈન અને અંબિકા હોટલ માર્ગ સુધીના રોડની કામગીરી ગત વર્ષે જૂન મહિનામાં શરૂ કરવામાં આવી હતી. જે અંગે છસ્ઝ્ર ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે હજી સુધી પૂર્ણ થયું નથી. બીજી તરફ રોડની કામગીરી દરમિયાન જોખમ હોય તેવું દર્શાવતા બોર્ડ લાગવવાનું પણ ચૂકી ગયા છે. જેના કારણે અવરનવર અકસ્માતો અને રાહદારીઓની હાડમારીનો ભોગ બનતા રહે છે. તેમજ હાલમાં જ કામગીરી દરમિયાન પાણીની લાઈનમાં ભંગાણ પડયું છે તેના કારણે સમગ્ર રોડ પર પાણી પાણી થઈ ગયું છે. જેના કારણે ગંદકીનું પણ પ્રમાણ વધ્યું છે. આ અંગે ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. એક વર્ષ થવા આવ્યું છતાં કામગીરી અધૂરી છે જેના અંગે જવાબદાર અધિકારીઓએ ધ્યાન આપવું જોઇએ.