ચોમાસા પહેલા રોડ રસ્તા રિપેરિંગ કરવા અંગે મ્યુનિ. કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે. તેમ છતાં ચોમાસુ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રોડ રસ્તાની બિસ્માર સ્થિતિ જોવા મળી રહી છે.
આ દરમિયાન પૂર્વના ઠક્કરબાપા નગર તથા વિરાટનગર વોર્ડની વચ્ચેથી પસાર થતા એપ્રોચ પુલથી ઇન્દ્રજિત અને સરિતા સોસાયટીંથી કોઠીયા હોસ્પિટલ સુધીના રોડને ઉત્તર દિશામાં રોડ લાઈનનો અમલ કરવામાં આવ્યાને આઠ મહિના જેટલો સમય પસાર થઇ ગયો છે. તેમ છતાં આજ દિન સુધી કામગીરી પૂર્ણ થઈ નથી. જ્યારે બીજી તરફ રસ્તા પર જ પાણીના પાઈપ અને લાઈટના થાંભલા અને વિવિધ વેસ્ટના દબાણ પડી રહ્યા છે. જેનાથી લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ કોન્ટ્રાક્ટર દ્વારા કામ અધૂરું મૂકીને છોડી દેવામાં આવ્યો હોવાનો સ્થાનિકોનો આરોપ છે અને અધિકારીઓ તેના પર ધ્યાન ન આપતાં પ્રજાની સ્થિતિ ખરાબ થઈ રહી છે.
આ અંગે ફરિયાદ કરતાં સ્થાનિકોએ જણાવ્યું કે, એક તરફ ચોમાસાના ગણતરીના દિવસો બાકી છે. તેમ છતાં રોડ પરથી પીવાના પાણીની લાઇન નાખવાની, લાઇટના થાંભલા ખસેડવા તથા દબાણ હટાવેલ છે તે જગ્યાએ રોડ બનાવવામાં આવ્યો નથી. જ્યારે નોંધનીય છે કે, પાઈપ તથા વરસાદી પાણીની લાઇનની પાઇપો અને ભૂંગળાઓ બે મહિના થી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી નથી. જેના કારણે રોડની બંને બાજુએ વેપારીઓ વાહનચાલકો તથા રાહદારી ઓ ત્રાહિમામ પોકારી ગયા છે.
નરોડા, નિકોલ, વિરાટનગર, ઠક્કરબાપાનગરના મેઇન રોડ
બિસમાર, રજૂઆત બાદ પણ વોર્ડ પ્રતિનિધિઓ ઘેરી નિદ્રામાંરોડ પર દુકાન ધરાવતા વેપારીઓએ જણાવ્યું કે, મેગાસિટીમાં આટલી ખરાબ પરિસ્થિતિ કદાચ સમગ્ર શહેરમાં કોઇ જગ્યા એ નહીં હોય. આ વિસ્તારમાંથી ગુજરાત સરકારના એક કેબિનેટ મંત્રી પણ ચૂંટાયા છે. તેમજ ઠક્કરબાપાનગરમાંથી પૂવૅ મેયર પણ કોર્પોરેટર તરીકે છે અને વિરાટનગરના ચાર કાઉન્સિલરોને પણ આ રોડ લાગુ પડે છે. આ ઉપરાંત વિસ્તારની સૌથી મોટી કોઠિયા હોસ્પિટલ પણ અહીં આવેલ છે. નરોડા, નિકોલ, વિરાટનગર તથા ઠક્કરબાપા નગરના મેઇન રોડની હાલત ગામડાના રસ્તા કરતા પણ ખરાબ છે. આ સ્થિતિમાં ચોમાસા પહેલાં રોડને તાત્કાલિક નવો બનાવવામાં આવે તે માટે પાણીની તથા વરસાદી પાણીની લાઇન અને અન્ય કામો પુરા કરવા મ્યુનિ. કોર્પોરેશનના પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનરને પણ રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં કામગીરી કરવામાં સમય લાગી રહ્યો છે. આ માટે તાકીદે પગલાં ભરવા સ્થાનિકોની માંગણી રહેલી છે.