ઉનાળાના સાથે પાણી કાપ અને વીજકાપની સમસ્યાએ પૂર્વના વિવિધ વિસ્તારોમાં માથું ઉંચકી રહ્યું છે.


જેમાં ગોમતીપુર વિસ્તારમાં ગુજરાત સ્થાપના દિવસે જ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર(CHC)માં અંધારપટ છવાઈ જતાં દર્દીઓ અને સ્ટાફે ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. એટલું જ નહીં બે કલાક સુધી પાવર બેકઅપ માટેની પણ કોઈ જ વ્યવસ્થા ન રહેતાં 30 બેડની હોસ્પિટલના દર્દીઓને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો. આ અંગે સ્થાનિક વિરોધ પક્ષના કોર્પોરેટરે જણાવ્યું કે, વર્ષોથી બેકઅપ પાવર અને સોલર પાવર સિસ્ટમ અંગેની રજુઆત કરી છે પરંતુ હજી સુધી તેને પરિપૂર્ણ કરવામાં આવી નથી. જેના કારણે મોડી રાત્રે દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા. જોકે સદનસીબે કોઈ દુર્ઘટના બની નથી પરંતુ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓએ તાકીદે ધ્યાન આપવું જોઇએ.

એક તરફ હેલ્થ માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બજેટમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પૂર્વના ગોમતપુર વિસ્તારમાં સામાન્ય નાગરિકો માટે રાહત આપનાર કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં જનરેટરની વ્યવસ્થા છેલ્લા ઘણાં સમયથી રહેલી નથી. જેના કારણે અવારનવાર દર્દીઓએ હાલાકી ભોગવવી પડી રહી છે. જ્યારે ગુરૂવારના દિવસે સીએચસી સેન્ટર પર રાત્રિના 10.50 ના લાઈટ ગઈ હતી જે પછી મોડી રાત્રે 1.40 વાગ્યા આસપાસ પાવર ફરી શરૂ થયો હતો. જેના કારણે અંદાજિત બે કલાક સુધી દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ સમય દરમિયાન 30 બેડની હોસ્પિટલમાં બે ગાયનેકના, 11 ટાઈફેડ અને ડાયરિયાના તેમજ અન્ય સારવાર માટે પેશન્ટો દાખલ હતા. ટેકનિકલ કારણથી લાઈટ જતી રહેતા કાળઝાળ ગરમીથી કંટાળી તમામ દર્દીઓને હોસ્પિટલથી બહાર આવવાની ફરજ પડી હતી.

ઈમરજન્સી સુવિધાના બોર્ડ પણ ઓપરેશન વખતે વીજળી ડૂલ થાય તો જોખમ

ગોમતીપુર સીએચસી સેન્ટરમાં અગાઉ 2 જાન્યુઆરી 2024 ના પણ આ પ્રકારની સ્થિતિ બની હતી. તે સમયે હોસ્પિટલમાં ઓપરેશન રદ્દ કરવા સુધીની સ્થિતિ ઉભી થઈ હતી. તેમ છતાં મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ કુંભકરણની નિંદ્રામાં રહ્યાં છે, જેથી ફરી એકવાર દર્દીઓને લાઈટ જવાના કારણે અંધારા તેમજ ગરમીઓમાં હાલાકીનો સામનો કરવો પડયો છે. આ વચ્ચે હાલમાં સોલર પાવર અને તેના સાથે ઈન્વટરની વ્યવસ્થા કરવા માટે રજુઆત કરી છે. જો કોઈ આકસ્મિક ઘટનામાં દર્દી દાખલ થાય અને ઓપરેશન ચાલતું હોય ત્યારે લાઇટ જતી રહે તો દર્દીના જીવને ખૂબ મોટું જોખમ થાય તેવી સ્થિતિ છે. આ માટે સ્થાનિક કોર્પોરેટરે પણ વારંવાર રજુઆતો કરી છે.

બાળકોના વોર્ડમાં લાઈટ જતા વાલીઓ ચિંતામાં મુકાયા, અન્ય દર્દીઓને બહાર બેસવાની નોબત આવી

સીએચસી સેન્ટરની અંદર જ બાળકોના માટેનો ખાસ વોર્ડ આવેલો છે. તેમજ ઓપરેશન થિયેટર અને પ્રસુતિ માટેના વોર્ડ આવેલા છે. જેમાં કોઈ પણ સમયે ઈમરજન્સીની સ્થિતિ ઉભી થઈ શકે છે. ત્યારે આરોગ્ય વિભાગ અને લાઈટ વિભાગ દ્વારા કોઈ પણ કાળજી રાખ્યા વિના વીજ કાપ કરતા બાળકોના વાલીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. કે લાઈટ ગયા પછી પણ બાળકોના વોર્ડમાં સ્ટાફ ઊંઘતા રહ્યા હતા. સદનસીબે કોઈ ઈમરજન્સીવાળી ઘટના બની ન હતી. બીજી તરફ ત્યારે કોર્પોરેશન કરોડો રૂપિયા વિકાસ કાર્યો પાછળ ખર્ચવાની વાત કરે છે, પરંતુ જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી નથી.


  • Follow us on: