વટવામાં અઢી વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનાર પરિણીતાને પતિ અને સાસુ કોઇને કોઇ કારણોસર ઝઘડો કરીને ત્રાસ આપતા હતા. જેનાથી કંટાળીને પરિણીતાએ ચાર દિવસ પહેલાં સાસરીમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના ભાઇએ વટવા પોલીસ સ્ટેશનમાં બનેવી અને મૃતકના સાસુ વિરૂદ્ધમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી છે.
વટવામાં રહેતા 25 વર્ષીય પ્રીતિબેને રમેશ ચૌધરી સાથે અઢી વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના થોડા મહિનાઓ બાદ પતિએ પ્રીતિ સાથે કોઇને કોઇ બહાને ઝઘડો કરીને હેરાન કરતો હતો. પ્રીતિબેનથી જેટલુ સહન થતુ હતુ તેઓ કરતા હતા પરંતુ પતિ વધારે ત્રાસ આપે તો તેઓ તેમની બહેન પૂજાને ફોન કરીને જાણ કરી હતી. પૂજા પણ પ્રીતિને સમજાવતી હતી કે, સાસરીમાં બધુ ધીમે ધીમે સારૂ થઇ જશે અને તુ શાંતિથી સાસરીમાં રહે. આ ઉપરાંત, સાસુ પણ ઘરકામ મામલે પ્રીતિ સાથે બોલાચાલી કરીને બિભત્સ શબ્દો બોલતા હતા. જેથી કંટાળીને પ્રીતિ પિયરમાં 3 વખત રહેવા જતી રહી હતી. આ બાદ રમેશ સાસરીમાં જઇને હવે તે પત્નીને હેરાન નહીં કરે અને આવી ભૂલ નહીં થાય તેમ કહીને માંફી માંગીને પ્રીતિને પોતાની સાથે રહેવા માટે લઇ ગયો હતો. ગત.19 એપ્રિલના રોજ પતિ, સાસુના ત્રાસથી કંટાળીને પ્રીતિએ સાસરીમાં ગળાફાંસો ખાધ્યો હતો. જો કે, પ્રીતિના શ્વાસ ચાલુ હોવાથી તેના પતિ સહિતના લોકો તેણે તાત્કાલિક સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં પ્રીતિબેનનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. આ અંગે મૃતકના ભાઇ રોશને વટવા પોલીસ સ્ટેશનમાં બનેવી રમેશ ચૌધરી અને મૃતકની સાસુ પાનાપતિદેવી વિરૂદ્ધમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.










