ભારતીય રેલવેમાં ટ્રેનોની સ્પીડ વધારવાની મોટાપાયે હાલ કવાયત ચાલી રહી છે. સુરક્ષા, ટેકનોલોજી, સિગ્નલ સિસ્ટમમાં ફેરફાર સહિતના ઉપાયો કરીને ટ્રેનોની સ્પીડ 110 થી 160 કિલોમીટર પ્રતિ કલાકની કરવાનું આયોજન ચાલી રહ્યું છે.
નજીકના સમયમાં ટ્રેનોની મુસાફરી વધુ આરામદાયક અને મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને સમયસર પહોંચતા કરી દેશે. રેલવે બોર્ડના એક અધિકારીના જણાવ્યા મુજબ રેલવેે દિલ્હી-મુંબઇ, દિલ્હી-કોલકાતા, દિલ્હી- ચેન્નાઇ, મુંબઇ-કોલકાતા, કોલકાતા-ચેન્નાઇ પરના ટ્રંક રૂટ પર સેમી હાઇ સ્પીડ વંદે ભારત ટ્રેન દોડાવવા માટે હાલ ફેન્સિંગ, કવચ સિસ્ટમ, સિગ્નલ-ટ્રેકમાં સુધારા સહિતના કામો પુરજોશમાં ચાલી રહ્યા છે. આ રૂટ પરની ટ્રેનો હાલ પ્રતિ કલાકની 130ની સ્પીડે દોડે છે તેને 160 કિ.મી.પ્રતિ કલાક સુધી લઇ જવા માટેની તૈયારીઓ હાલ ચાલી રહી છે. જ્યારે પેસેન્જર અને અન્ય લોકલ ટ્રેનોની સ્પીડ 110 કિ.મી. સુધી વધે તેવી તૈયારીઓ ચાલી રહી છે. નોંધપાત્ર છે કે હાલમાં ટ્રેનો મહત્તમ 50, 75, 80 અને 100 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડે દોડી રહી છે. રેલવેમાં મોટાપાયે ફેરફારો કરીને ભવિષ્યમાં ટ્રેનોની મુસાફરીની આખી કાયાપલટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ટ્રેનોની મંદ ગતિ, કંટાળાજનક મુસાફરી, સિગ્નલ ન મળતા અડધો કલાક સુધી ટ્રેક પર ટ્રેનોને રોકી રાખવા સહિતની અનેક સમસ્યાઓનો ઉકેલ આવે તે દિશામાં હાલ કામ ચાલી રહ્યું છે.










