શહેરના પૂર્વ વિસ્તારમાં ઉનાળાની સિઝનમાં મુખ્ય જરૂરિયાત એવા પાણીની પળોજણ શરૂ થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે.
પૂર્વમાં આવેલા ન્યૂ ઈન્ડિયા કોલોનીથી ભક્તિ સર્કલ સુધીમાં આવેલી સોસાયટીમાં ગટર અને પીવાના પાણી મિક્સ આવતા સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. તંત્રને અનેકવખત રજૂઆત કર્યા બાદ પણ પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા ભર ઉનાળે સાતથી વધુ સોસાયટીના રહીશોને પાણી માટે વલખા મારવાની નોબત આવી છે. જેથી સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
ન્યૂ ઈન્ડિયા કોલોનીથી ભક્તિસર્કલ માર્ગ પર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયા બાદ તંત્ર દ્વારા કોઈ અસરકારક કામગીરી કરવામાં ન આવતા અહી વસવાટ કરતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. જેમાં રોષિત સ્થાનિકના જણાવ્યા અનુસાર, છેલ્લા 15 દિવસથી અંકુર ચોકડી ટેનામેન્ટ, ન્યૂ ઈન્ડિયા કોલોની, દેવનંદન એપાર્ટમેન્ટ, સાંઈક્રૂપા એપાર્ટમેન્ટ ધર્મરાજ સોસાયટી અને ધર્મ રંગ એપાર્ટમેન્ટમાં ગટરના ગંદા પાણી અને પીવાના પાણી મિક્સ આવી રહ્યા છે. પીવામાં દૂષિત પાણીની ફરિયાદ લઈને સ્થાનિકોએ મ્યુનિ.કોર્પોરેશનમાં રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ભર ઉનાળે પાણી અંત્યત જરૂરિયાત હોવાથી સ્થાનિકોને રૂપિયા ખર્ચીને બહારથી પાણી લાવવા મજબૂર બન્યા છે.