શહેરમાં ગાંજા, ડ્રગ્સનું દુષણ દિવસે દિવસે વધી રહ્યુ છે, આ વ્યસનોમાં સપડાઈને યુવાધન બરબાર થઈ રહ્યું છે. ત્યારે ચાંદખેડા પોલીસે બે શખ્સોને સ્કૂટર પર 14 કિલો ગાંજાનો જથ્થો લઇ જતા રંગેહાથે ઝડપ્યા હતા. આ અંગે ચાંદખેડા પોલીસે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને બન્નેની ધરપકડ કરી હતી.
આ બન્ને આરોપીઓ રાજસ્થાનના એક શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો લાવીને અન્ય જગ્યાએ ડિલિવરી કરવાનો હોવાનું સામે આવતા પોલીસે બંને શખ્સોની ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. ચાંદખેડા પોલીસ પેટ્રોલીંગ કરી હતી ત્યારે તેમણે બાતમી મળી કે, મોટેરા રોડ પર એક ટુવ્હીલર પર બે શખ્સો ગાંજાનો જથ્થો લઇને ડિલિવરી કરવા જવાના છે. જેથી મોટેરા રોડ પર ચાંદખેડા પોલીસે વોચ ગોઠવીને એક શંકાસ્પદ ટુવ્હીલરને ઉભુ રાખીને તપાસતા 14 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ડ્રગ્સનો જથ્થા સાથે પકડાયેલ રાજસ્થાનના કિશનલાલ રેગર અને કમલેશ રેગરની પોલીસે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી હતી. બંને આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે, તેઓ ભિલવાડા ખાતે લક્ષ્મણ સાલવી નામના શખ્સ પાસેથી14 કિલો ગાંજાનો જથ્થો લીધો હતો. આ ગાંજાની ડિલિવરી સુભાષબ્રિજ પાસે પ્રવિણ નામના શખ્સને આપવા બંને આવ્યા હતા. જોકે, તે ડિલિવરી આપે તે પહેલા ઝડપાઈ ગયા હતા.










