મણિનગરના ઈસનપુર વિસ્તારના આદર્શ ટેનામેન્ટ ડ્ઢ વિભાગમાં સામાન્ય વરસાદમાં એટલે કે કમોસમી માવઠાંમાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
દક્ષિણ ઝોનનો પોશ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાની અને ગટરો બેક મારવાની સ્થિતિના કારણે તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. તેમજ લોકોએ ગંદકીમાંથી પસાર થવાની નોબત આવતા માંદગીનું પણ પ્રમાણ વધી શકે તેવો ડર સ્થાનિકોને સતાવી રહ્યો છે. ખોખરામાં એક ગટર લાઈનમાંથી બીજી ગટર લાઈનમાં ગંદુ પાણી ઠલવાવની કામગીરી કરવામાં આવી રહી છે. જેના માટે હાટકેશ્વર સર્કલથી ખોખરા સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર બેરિકેટ લગાવી દેવામાં આવ્યા અને તેમાંથી પણ ગટર ઓવર ફ્લો થવાની ફરિયાદ સામે આવી રહી છે. જેના કારણે તંત્રની નિષ્ફળ કામગીરી નજરે પડી રહી છે.
મણિનગરના ઈસનપુરમાં સામાન્ય માવઠામાં પણ ગટરો બેક મારે છે. જેમાં પણ વરસાદી પાણી ગટરમાં જવાના બદલે ગટરમાંથી બેક મારતું,મળ વાળું ગંદુ પાણી સોસાયટીમાં ફ્રી વળે છે. સંડાસ બાથરૂમમાંથી ગંદુ પાણી ઘરમાં ફ્રી વળે છે અને સોસાયટીમાં કમર સુધીના આ મળ વાળા પાણીમાંથી લોકોને પસાર થવા મજબૂર બનવું પડે છે. સોસાયટીમાં અવર જવર માટે આ એક માત્ર રસ્તો હોવાથી રહીશો એમાય ખાસ કરીને બાળકો અને સ્ત્ર્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે સ્થાનિકો ફરિયાદ કરતાં જણાવ્યું કે, છેલ્લા ચાર પાંચ વર્ષોથી ઇસનપુર વિસ્તારના કાઉન્સિલરોથી માંડી દક્ષિણ ઝોનના સિટી એન્જિનિયરથી લઈ ડે. મ્યુનિ કમિશ્નરને અને સ્થાનિક ધારાસભ્યને પણ વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં મેટ્રો સિટીમાં કહેવાતા પોશ વિસ્તારના વર્ષો જૂના ટેનામેન્ટમાં અંતરિયાળ ગામડા જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. .આ માટે સ્થાનિકોની ફરિયાદ તાકીદે તંત્ર દ્વારા ધ્યાનમાં લેવામાં આવે અને કામગીરી કરવામાં આવે તેવી જ સ્થાનિકોની રજુઆત રહેલી છે.
હાટકેશ્વર બ્રિજ બાદ હવે ગટરની સમસ્યાથી લોકો ત્રસ્ત થયા
ખોખરામાં ગટર ઉભરાઈ જવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આ વચ્ચે હાટકેશ્વર સર્કલથી ખોખરા સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર બેરિકેટ લગાવી એક ગટરમાંથી બીજી ગટરમાં લાઈન ટ્રાન્સફર કરવામાં આવી રહી છે, પરંતુ તે ગટર પણ ઉભરાઈ જવા પામી છે. આ કારણે ગટરનું પાણીનો ઝડપથી નિકાલ થઈ રહ્યો નથી અને બેરિકેટ લગાવીને રસ્તો રોકવામાં આવ્યો હોવાથી ટ્રાફિકનું પણ ભારણ વધી રહ્યું છે. એક તરફ હાટકેશ્વર બ્રિજ બંધ હોવાના કારણે ટ્રાફિકનું ભારણ છે ત્યાં રસ્તો અડધો થઈ જવાના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. શહેરના પ્રવેશના મુખ્ય રોડ પર ટ્રાફિકની સમસ્યા હોવાના કારણે રાહદારીઓ વધુ પરેશાન થઈ રહ્યા છે.