છેલ્લા ઘણાં સમયથી પીવાના પાણીની સમસ્યાના કારણે ખોખરા વિસ્તારાના લોકો પરેશાન થઈ રહ્યા છે.


જેમાં પણ ક્યાંક પાણીનું પ્રેશર પૂરતું ન મળવાની તો ક્યાંક પાણીની લાઈનમાં ભંગાણ થવાની સાથે જ પ્રદૂષિત પાણીની અવરનવર ફરિયાદ મળી રહી છે. આ વચ્ચે ખોખરા વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ સર્કલ પાસે મહેન્દ્ર કુંજ સોસાયટીના ગેટ પાસે પાણીની લાઈનમાં લીકેજ થવાના કારણે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યો છે. આ અંગે સ્થાનિકો દ્વારા તંત્રને અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં પણ નિકાલ ન થતો હોવાનું સામે આવ્યું છે. આ તરફ તંત્ર દ્વારા ઉનાળામાં પાણીના બચત કરવા માટેની વાતો કરતું હોય છે ત્યારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પાણી વેડફવામાં આવી રહ્યું હોવાનું જોવા મળતાં સ્થાનિકોમાં રોષ જોવા મળે છે.

એક તરફ પાણીના માટે લોકો વલખાં મારી રહ્યા છે ત્યારે બીજી તરફ હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. ખોખરના મહારાણા પ્રતાપ સર્કલ પાસેના મહેન્દ્ર કુંજ સોસાયટીના ગેટ પાસે બે સ્થાનો પર લાંબા સમયથી પાણીની લાઈનમાં લીકેજ જોવા મળી રહ્યું છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, પાણીના વેડફાટ અંગે અવરનવર વોર્ડમાં ઓફિસમાં રજુઆત કરવામાં આવી, જેમાં તંત્ર દ્વારા કામચલાઉ કાર્યવાહી કરીને સંતોષ માનવામાં આવે છે. પાણીની લાઈનમાં લીકેજ થવાના કારણે આસપાસના વિસ્તારોમાં પાણીના પ્રેશરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોએ પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે અને પાણીની અછત જોવા મળી રહી છે. આ અંગે પણ રજુઆત કરી છે છતાં અધિકારીઓ સાંભળી રહ્યા નથી. આ માટે જરૂરી પગલાં તંત્ર દ્વારા તાકીદે ભરવામાં આવે તેવી જ રજુઆત છે.

દરિયાપુરમાં પ્રદૂષિત પાણીના કારણે લોકો બીમાર થવા લાગ્યા

મધ્ય ઝોનના દરિયાપુરની વિવિધ ચાલીઓમાં ચોમાસા પહેલાં જ પ્રદૂષિત પાણીની ફરિયાદો સામે આવી રહી છે. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. દરિયાપુરના ટેકરા વાળી ચાલીમાં પીવાના પાણી અને ડ્રેનેજની લાઈન મિકસ થઈ જવાના કારણે પ્રદૂષિત પાણી મળી રહ્યું હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. આ માટે સ્થાનિકો દ્વારા પોતાના ખર્ચે બહારથી પીવાના પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે. જ્યારે પ્રદૂષિત પાણી પીવાના કારણે લોકો બિમાર પડી રહ્યા છે પરંતુ ન તો હેલ્થ વિભાગ ન તો પાણી વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી ન હોવાની સ્થાનિકોની ફરિયાદ રહેલી છે.


  • Follow us on: