એક તરફ ચોમાસું બેસવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ન કરવામાં આવતાં અને કામગીરી અધૂરી છોડી દેવામાં આવતી હોવાના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. હાટકેશ્વર 132 ફૂટ રિંગરોડ પર ન્યુ રંગબાગ સોસાયટી અને સુરજબાગની વચ્ચે વરસાદી પાણી ભરાઈ જવાની અવારનવાર ફરીયાદ કરવામાં આવે છે. જેના માટે ત્યાં કામગીરી શરૂ કરાઈ, પરંતુ તેમાં ભંગાણ થતા પીવાના પાણીનું વિતરણ પણ અટકી ગયું હતું. રસ્તા વચ્ચે જ ખોદકામ થતાં લોકોની અવરજવરમાં પણ મુશ્કેલી પડી છે.
સ્થાનિકોનો આરોપ છે કે પહેલાં રોડ પર પાઈપલાઈનનો ખડકલો કરી દેવાયો હતો, હવે જ્યારે કામગીરી શરૂ થઈ છે ત્યારે પણ તેમાં ખામી સર્જાઈ રહી છે. ઝડપથી વરસાદી પાણીની લાઈનની કામગીરી પૂર્ણ થાય તેના માટે તંત્ર દ્વારા ખોદકામ શરૂ કરાયું છે. હાટકેશ્વર 132 ફૂટ રોડ પર પાણીની લાઈનની કામગીરી દરમિયાન બે દિવસથી ખોદકામ કરતા પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડયું છે. આ દરમિયાન લોકોને ત્યાંથી સ્થાનિકોએ અવરજવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે તંત્ર દ્વારા વરસાદી પાણીની લાઈન નાખવાની કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવે તો સ્થાનિકોને પણ મોટી રાહત મળી રહે તેમ છે. આ સ્થિતિમાં તંત્ર ખોદકામનું કામ ઝડપથી પૂર્ણ કરે તેવી જ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.










