બાપુનગરમાં રહેતા દંપતી વચ્ચે ઝઘડો થતા પત્ની તેના બાળકને લઈને પિયરમાં રહેવા જતી રહી હતી. ત્યારથી દીકરો તેની માતા સાથે જ રહેતો હતો અને અભ્યાસ કરતો હતો.
આ દરમ્યાન પતિએ તપાસ કરતા પત્નીએ કોઈની મદદ લઈને તેના નામના બનાવટી આવકના દાખલા ઉભા કરી શિષ્યવૃત્તિ પત્નીએ મેળવી લીધી હતી. આ અંગે પતિએ તેની પત્ની અને તેની મદદ કરનાર સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
મેઘાણીનગરમાં રહેતા દિનેશકુમાર માણસાવાલાના લગ્ન 2001માં જ્યોત્સનાબેન સોલંકી સાથે થયા હતા. વર્ષ 2002માં મહિલાએ દીકરાને જન્મ આપ્યા બાદ પતિ સાથે મેઘાણીનગર ખાતે રહેવા આવી ગઈ હતી. 13 વર્ષ સુધી દંપતી વચ્ચે નાની મોટી બાબતે ઝઘડો થતો રહેતો હતો. વર્ષ 2015માં મહિલા 14 વર્ષીય બાળકને લઈને તેના પિયર બાપુનગરમાં રીસામણે જતી રહી હતી. આ દરમ્યાન દિનેશે તેની પત્નીને મનાવીને ઘરે પાછા આવી જાય તે પ્રકારના તમામ પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ મહિલાએ વર્ષ 2015મા પતિ વિરુદ્ધ ધી-કંટા કોર્ટમાં ડોમેસ્ટીક વાયોલેન્સનો કેસ કર્યો હતો. દંપતીનો દીકરો કોલેજમાં અભ્યાસ કરતો થઇ ગયો ત્યાં સુધી દંપતીનો કેસ કોર્ટમાં ચાલતો હતો. જ્યારે બંને પક્ષે કોર્ટમાં પોતાના પુરાવા રજુ કર્યા હતા. આ પુરાવાની તપાસ કરતા પતિ દિનેશને જાણવા મળ્યું કે તેનો દીકરો અત્યારસુધી જેટલો પણ અભ્યાસ કર્યો છે. તેના તમામ રૂપિયા શિષ્યવૃતિથી મળ્યા અને તેના આધારે ભણ્યો હતો. પરંતુ શિષ્યવૃત્તિ માટે પોતે કોઈપણ જાતના આવકના પુરાવા પત્નીને આપ્યા નહી હોવા છતાં પત્નીએ કેવી રીતે શિષ્યવૃત્તિ મેળવી તે દિશામાં તપાસ કરી હતી. જેથી પત્નીએ દીકરાને ભણાવવા માટે થઈને પતિના અન્ય પુરાવાનો દુરુઉપયોગ કરીને શિષ્યવૃતિ મેળવવા માટે નોંધણી કરાવી અને તેનો ઉપયોગ કરવા લાગી હતી. ત્યારે પત્નીને ચતુરભાઈ ચાવડા મદદ કરતો હતો. આ અંગે દિનેશકુમારે પત્ની અને ચતુર સામે બાપુનગર પોલીસમાં ફરીયાદ નોધાવી છે.