સરદારનગરમાં 49 વર્ષ પહેલાં લૂંટ કરવાના ઈરાદે ઘરમાં ઘૂસીને મહિલાની હત્યા કરનાર આરોપી સીતારામ ઉર્ફે શીવરામ તાત્યાભાઉ ભતાને એડીશનલ સેશન્સ જજ ભાવેશ અવાશીયાએ પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકયો છે.


કોર્ટે નોંધ્યુ હતુ કે, તપાસ કરનાર અધિકારીએ આરોપી પાસેથી મુદ્દામાલ રીકવર કે ડિસ્કવર કર્યો નથી. આરોપી બનાવવાળી જગ્યાએ ભાડે રહેતો હોય તે અંગેના કોઈ દસ્તાવેજી પુરાવા તપાસના કામે કબજે લીધા નથી. આરોપીની કોઈ ઓળખ પરેડ થઈ નથી. આ કેસના મહત્વના બે સાક્ષીઓ મૃત્યુ પામ્યા છે.જયારે સાત સાક્ષીઓની કોઈ ભાળ મળી નથી. ઉલ્લેખનીય છે કે, 17885 દિવસે પોલીસે આરોપી સીતારામ ઉર્ફે શિવરામ ભતાનેની મહારાષ્ટ્રથી ધરપકડ કરી હતી અને આશરે 518 દિવસમાં આરોપી પુરાવાના અભાવે છુટી ગયો છે.

સપ્ટેમ્બર 1973માં આરોપી સીતારામ મરાઠી સરદારનગરમાં આવેલ ધનુષધારી સોસાયટીમાં વડવાળા ખાચામાં મણીબેન હિમતલાલ શુકલના ઘરમાં ચોરી કરવા માટે ઘૂસ્યો હતો. આ દરમિયાન વાસણ નીચે પડતા અવાજ થયો હતો. એ સમયે આરોપી સીતારામ મરાઠીએ મહિલાની હત્યા કરી ફ્રાર થઈ ગયો હતો. હત્યા કર્યા બાદ આરોપી સીતારામ મરાઠી પોલીસથી બચવા મહારાષ્ટ્રમાં જતો રહ્યો હતો અને ત્યાં નાસતો ફ્રતો હતો. આ દરમિયાન 49 વર્ષ બાદ સરદારનગર પોલીસને બાતમી મળી હતી કે હત્યાનો આરોપી સીતારામ મરાઠી મહારાષ્ટ્રમાં છે.પોલીસની ટીમે મહારાષ્ટ્ર જઈને તેને દબોચી લીધો હતો. મહત્વનું છે કે જ્યારે સીતારામ મરાઠીએ હત્યા કરી એ સમયે તેની ઉંમર 26 વર્ષ હતી. જ્યારે પોલીસે સીતારામને પકડયો ત્યારે તેની ઉંમર 75 વર્ષની હતી. સરદારનગર પોલીસે આરોપી સીતારામ મરાઠીની સામે કેસના જૂના દસ્તાવેજોના આધારે કોર્ટ ચાર્જશીટ કર્યુ હતુ. જે કેસ ચાલતા આરોપી સીતારામ મરાઠીના વકીલ મનજીતસિંહ એ.આહુજાએ કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપી સામે કોઈ પુરાવા નથી. આ કેસ 49 વર્ષ જૂનો છે. જેમાં મહત્વના કોઈ સાક્ષીઓ પોલીસને પણ મળ્યા નથી. સમગ્ર કેસ જૂના દસ્તાવેજોના આધારે કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યો છે. આરોપી પાસેથી કોઈ રીકવર કરવામાં આવ્યુ નથી કે, કોઈ ઓળખ પરેડ થઈ નથી.જેથી આરોપીને નિર્દોષ છોડી મુકવો જોઈએ. ત્યારબાદ કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકયો છે.


  • Follow us on: