શહેરના પૂર્વ વિસ્તારમાં તંત્રની કામગીરીમાં લોલંલોલની ઘટનાઓ નોંધપાત્ર વધી છે. જ્યા એક તરફ તંત્રની દેખાડા કરવા પુરતી કામગીરી કરે છે અને બીજી તરફ એક કામગીરીમાં અનેક નવી સમસ્યા ઉભી કરીને પ્રજાની પરેશાની વધારે છે. જેમાં હાલમાં જમાલપુર ક્રોસ રોડ પાસે મ્યુનિ. કોર્પોરેશનના સર્વિસ ડેપોથી ફાયર બ્રિગેડ સુધી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે.


જેના બાદ નવો રોડ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી પરંતુ કોન્ટ્રાક્ટરની આડેધડ કામગીરીના કારણે ગટર લાઈનમાં ભંગાણ પડયું છે અને રોડ બંધ કરવામાં આવ્યો છે. આ તરફ ગટર અને રોડ વિભાગના સંકલનના અભાવના કારણે કામ ટલ્લે ચઢી રહ્યું છે. આ કારણે સ્થાનિકોને ત્યાંથી પસાર થવામાં પણ મુશ્કેલી પડી રહી છે તો રાહદારીઓને પણ અવરજવરમાં હાલાકી ભોગવવી પડી રહી છે.

કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે ડ્રેનેજ અને ગેસ લાઈનની સમસ્યા ઊભી થઈ : સ્થાનિકો

ગીતામંદિર બસ સ્ટેશનથી જમાલપુર બ્રિજ નીચેથી ચાર રસ્તા સુધી આવવાના મુખ્ય માર્ગ પર છેલ્લા કેટલાંક દિવસોથી લોકોને હાલાકી પડી રહી છે. આ અંગે સ્થાનિકોએ ફરિયાદ કરતાં જણાવ્યું કે, મ્યુનિ. કોર્પોરેશનના સર્વિસ ડેપોથી ફાયર બ્રિગેડ સુધીના વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહી છે. આ પછી નવો રોડ બનાવવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી પણ કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગની કામગીરીમાં યોગ્ય કાળજી રાખવામાં ન આવતાં ગટર લાઈનમાં ભંગાણ પડયું છે. એટલું જ નહીં ત્યાંથી પસાર થતી ગેસની પાઈપલાઈનમાં પણ ખામી સર્જાય હતી. જેના માટે પણ કોન્ટ્રાક્ટર દ્વારા જાણકારી ગેસ કંપનીને આપવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે, ગટર લાઈનનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી રોડ બનાવવાની કામગીરી આગળ વધી શકે તેમ નથી.

રોડ બંધ કરી દેવાતા અવરજવર કરવામાં સ્થાનિકોને ભારે હલાકી

કામગીરીના કારણે રોડ બંધ રહેવાના કારણે મુશ્કેલી ઉભી થઈ રહી છે. આ તરફ ગીતા મંદિરથી જમાલપુર જવા માટે અને નારોલ તરફ જવા માટેના પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહનોને રોંગસાઈડ જવું પડી રહ્યું છે. જેના કારણે સમગ્ર રોડ પર ટ્રાફિક અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. આ તરફ ટ્રાફિક પોલીસ પણ હાજર ન રહેતાં દિવસ દરમિયાન સામાન્ય રાહદારીઓને પણ પસાર થવામાં મુશકેલી ઉભી થાય છે.


  • Follow us on: