શિકાગોથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટોઈલેટ જામ થવાને કારણે શિકાગો પરત ફરવું પડ્યું હતું.પોલીથીન બેગ અને કપડાના ટુકડાને કારણે પાઈપલાઈન જામ થઈ ગઈ હતી. આ ઈમરજન્સી લેન્ડિંગ 10 કલાકથી વધુ સમયની ફ્લાઈટ બાદ કરવામાં આવ્યું હતું.
ટેકનિકલ સમસ્યાના કારણે પ્લેનને પરત ફરવું પડ્યું હતું : એરલાઈન્સ
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટોઈલેટ જામ થવાના કારણે હંગામો થયો હતો. ફ્લાઈટ શિકાગોથી દિલ્હી જઈ રહી હતી. આ ઘટના પર એર ઈન્ડિયાએ કહ્યું કે તેની તપાસમાં જાણવા મળ્યું છે કે પોલીથીન બેગ અને કપડાના ટુકડા પાણીમાંથી વહી ગયા હતા જે પાઈપલાઈનમાં ફસાઈ ગયા હતા. શિકાગોથી દિલ્હી જતી ફ્લાઈટ AI 126ને 10 કલાકથી વધુ સમય આકાશમાં રહ્યા બાદ 6 માર્ચે અમેરિકન શહેરમાં પરત ફરવું પડ્યું હતું. જોકે, તે દિવસે એરલાઈન્સે કહ્યું હતું કે ટેકનિકલ સમસ્યાના કારણે પ્લેનને પરત ફરવું પડ્યું હતું.
શૌચાલય જામ હોવાને કારણે વિમાનને પરત ફરવું પડ્યું હતું :સૂત્ર
તે દિવસની ઘટનાઓથી વાકેફ એક સૂત્રએ મીડિયાને જણાવ્યું હતું કે ઘણા શૌચાલય જામ હોવાને કારણે વિમાનને પરત ફરવું પડ્યું હતું. એર ઈન્ડિયાએ સોમવારે જણાવ્યું હતું કે ફ્લાઇટમાં લગભગ એક કલાક અને પિસ્તાળીસ મિનિટ બાકી હતી, ક્રૂએ જાણ કરી હતી કે બિઝનેસ અને ઇકોનોમી ક્લાસમાં કેટલાક ટોઇલેટ ભરાયેલા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ પછી પ્લેનના 12માંથી 8 ટોઈલેટ જામ થઈ ગયા, જેના કારણે પ્લેનમાં સવાર તમામ લોકોને મુશ્કેલી પડી. એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે વિમાન એટલાન્ટિક મહાસાગરની ઉપરથી ઉડી રહ્યું હતું ત્યારે તેને પાછું ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના કારણે યુરોપના કેટલાક શહેરો પાછળ રહી ગયા જ્યાં વિમાનને ડાયવર્ટ કરી શકાય.
જાણો પ્લેનમાં કેવા હોય છે શૌચાલય ?
એરપ્લેન ટોઇલેટ નાના, કોમ્પેક્ટ અને ખાસ ટેક્નોલોજી સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે જેથી તેઓ ઊંચાઇ પર પણ યોગ્ય રીતે કામ કરે. આ બહુ નાના છે. તેમનું કદ સામાન્ય રીતે 3×3 ફીટની આસપાસ હોય છે. આમાં ટોઇલેટ સીટ, નાની સિંક અને ટીશ્યુ પેપર જેવી જરૂરી વસ્તુઓ હોય છે. આમાં વેક્યુમ ફ્લશ સિસ્ટમ છે, જે પાણીને બદલે હવાના દબાણ સાથે કામ કરે છે. જ્યારે તમે ફ્લશ બટન દબાવો છો, ત્યારે વેક્યૂમ પંપ ઝડપથી નીચેની સ્ટોરેજ ટાંકીમાં કચરો ખેંચે છે. જેના કારણે પાણીનો વપરાશ ઘણો ઓછો થાય છે. ફ્લશ દીઠ આશરે અડધો લિટર.
ક્યાં જાય છે કચરો ?
તમામ કચરો એરોપ્લેનના પાછળના ભાગમાં એક ખાસ ટાંકીમાં એકત્રિત કરવામાં આવે છે, જે ફ્લાઇટ પછી ગ્રાઉન્ડ ક્રૂ દ્વારા ખાલી કરવામાં આવે છે.જૂની માન્યતાથી વિપરીત, આ વેસ્ટ હવામાં છોડવામાં આવતો નથી. 35,000 ફૂટની ઊંચાઈએ હવાનું દબાણ ઓછું હોય છે. તેથી વેક્યુમ સિસ્ટમ જરૂરી છે. ઉપરાંત, ટોઇલેટમાં એન્ટી-બેક્ટેરિયલ કોટિંગ હોય છે જેથી સ્વચ્છતા જળવાઈ રહે.દરવાજા પર લોક સિસ્ટમ છે અને બહારથી ઓક્યુપાઈડ લાઈટ આવે છે. ક્રૂ કટોકટીની સ્થિતિમાં બહારથી દરવાજો ખોલી શકે છે.













