ગુજરાતમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પરિણામ પર રાજકારણ શરૂ થયું છે. સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે ગુજરાત મોડલ પર સવાલો ઉઠાવ્યા હતાં. અખિલેશ યાદવે એક્સ પ્લેટફોર્મ પર કરેલી એક પોસ્ટમાં લખ્યું હતું કે, ગુજરાતની 157 શાળાઓમાં એક પણ વિદ્યાર્થી 10માની બોર્ડની પરીક્ષા પાસ કરી શક્યો નથી. તેમની આ પોસ્ટને અરવિંદ કેજરીવાલે સમર્થન આપ્યું હતું. આ બંને નેતાઓને ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વળતો જવાબ આપ્યો હતો.
મેં આ પ્રકારના કપટી નેતાઓને ક્યારેય જોયા નથી
હર્ષ સંઘવીએ અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલને વળતો જવાબ આપતાં કહ્યું હતું કે, ગુજરાત બોર્ડે ધોરણ 10નું પરિણામ જ જાહેર કર્યું નથી. રાજનીતિ માટે બાળકોનો ઉપયોગ ના કરવો જોઈએ. અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર નકલી પરિણામો શેર કર્યાં છે. તેમણે ખોટી માહિતી ફેલાવી છે. તેમને બાળકોને રાજનીતીમાં ઉપયોગ કરવાનો કોઈ અધિકાર નથી. મેં આ પ્રકારના કપટી નેતાઓને ક્યારેય જોયા નથી. અખિલેશ યાદવે ગુજરાતની બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થયા પહેલા જ સોશિયલ મીડિયા પર નકલી પરિણામો શેર કર્યાં છે.
શિક્ષણ વ્યવસ્થા પર અખિલેશ યાદવે સવાલ ઉઠાવ્યા
સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતાં. તેમણે એક્સ પ્લેટફોર્મ પર કરેલી એક પોસ્ટમાં લખ્યું હતું કે, ગુજરાતની 157 શાળાઓમાં એક પણ વિદ્યાર્થી ધોરણ 10ની પરીક્ષા પાસ કરી શક્યો નથી. ગુજરાત મોડેલ જ ફેલ થયું છે. અમે ભાજપને હટાવીશુ અને ભવિષ્ય બચાવીશું. તેમની આ પોસ્ટને સમર્થન આપી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે એક પોસ્ટ શેર કરી હતી. તેમણે આ પોસ્ટમાં કહ્યું હતું કે, આ ગુજરાત મોડેલને ભાજપ સમગ્ર દેશમાં લાગુ કરવા માંગે છે. આ મોડેલ હેઠળ હવે તેઓ દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાને બગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે.









