• જેલમાં મોબાઈલની શું જરૂર, એમ કોર્ટે પૂછતાં અરજી પાછી ખેંચી

  • વૈભવી કાર હોય એની પાસે બીજો મોબાઈલ ન હોય? : કોર્ટ
  • ગ્રામ્ય કોર્ટે કેસની વધુ સુનાવણી તા.20મી સપ્ટેમ્બર પર મુકરર કરી

ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં એકસાથે નવ નિર્દોષ લોકોનો ભોગ લેનાર તથ્યકાંડ કેસમાં તથ્યના આરોપી પિતા પ્રજ્ઞેશ હર્ષદભાઇ પટેલ દ્વારા પોતાનો મોબાઇલ સહિતનો મુદ્દામાલ પરત મેળવવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. જો કે, કેસની સુનાવણી દરમ્યાન પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ ડી.એમ.વ્યાસે એવી ટકોર કરી હતી કે, જેલમાં વળી આરોપીને મોબાઇલની શું જરૂર? તેની પાસે બીજો મોબાઇલ નથી. કોર્ટનું વલણ પારખી આરોપી પ્રજ્ઞેશ પટેલે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.

બીજી બાજુ, કોર્ટે આજે આ કેસમાં જે આઠ સાહેદોના કલમ-164 હેઠળના નિવેદનો છે તેની નકલ આરોપી પ્રજ્ઞેશ પટેલ અને સરકારપક્ષને પૂરા પાડવા માટે પણ અગત્યનો આદેશ કર્યો હતો. તથ્ય પટેલ દ્વારા ઇસ્કોન બ્રીજ પર ગમખ્વાર અકસ્માત સર્જી નવ જણાંના મોત નિપજાવવાનો ચકચારભર્યો કેસ હાલ ચાર્જફ્રેમના તબક્કે છે ત્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલે પોલીસે તેને મોબાઇલ જપ્ત કરેલો હોઇ તે પરત મેળવવા અરજી કરી હતી. જો કે, કોર્ટે માર્મિક ટકોર કરતાં જણાવ્યું કે, આરોપીને વળી જેલમાં મોબાઇલની શું જરૂર છે? જો તેની પાસે મોંઘીદાટ ગાડીઓ હોય તો બીજો મોબાઇલ નહી હોય? કોર્ટનું આકરું વલણ જોઇ આરોપી પ્રજ્ઞેશ પટેલે તેની અરજી પાછી ખેંચી લીધી હતી. ગ્રામ્ય કોર્ટે કેસની વધુ સુનાવણી તા.20મી સપ્ટેમ્બર પર મુકરર કરી હતી. અગાઉ આ જ કેસમાં તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે પોતાના બચાવમાં હજુ કોઈ વકીલ જ નિમાયા નથી તેવો દાવો કરી વકીલ માટે સમય માંગી સમગ્ર પ્રક્રિયામાં વિલંબ કરવાના પ્રયાસો કર્યા હતા.


  • Follow us on: