સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ અંદાજિત રૂ. 12 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડીંગનું રવિવારે લોકાર્પણ કર્યુ હતું. તેમજ સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડીંગનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્ર્રોક્ત મંત્રોચ્ચાર કરાયા હતા.
નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું બિલ્ડીંગ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી બનાવવામાં આવ્યું છે. અદ્યતન સુવિધાઓથી સજ્જ આ વિદ્યાલય સાથે છાત્રાલય પણ બનાવવામાં આવી છે. આ નવીન બિલ્ડિંગમાં 150 વિદ્યાર્થીઓના શિક્ષણ અને આવાસનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ રવિવારથી ત્રણ દિવસીય ચાલનાર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીએ શક્તિપીઠ પરિસર સંકુલના મંદિરમાં પૂજા અર્ચના કરીને પરિક્રમા મહોત્સવમાં સહભાગી બન્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, એક તરફ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભ ચાલી રહ્યો છે. જ્યારે બીજી તરફ જગત જનની માઁ અંબાની પરિક્રમા મહોત્સવમાં લાખો ભક્તો માતાજીની ભક્તિમાં લીન થવાના છે. જગદંબાના પરમ ઉપાસક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ વિરાટ ધર્મોત્સવ વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 51 શક્તિપીઠ અંબાજી ધામમાં અનેરૂ સ્થાન ધરાવે છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, અંબાજી સુધી પહોંચવા માટે કનેક્ટિવિટીમાં પણ વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાનએ અંબાજી-તારંગા રેલ પ્રોજેક્ટને કાર્યરત કરાવ્યો છે. અંબાજી વિસ્તારના બહુમૂલ્ય વિકાસ માટે સરકારે અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટની રચના કરી છે. યાત્રિકોને શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન થાય તથા પ્રવાસન ક્ષેત્રે અંબાજીનો વિકાસ થાય તે માટે 1200 કરોડના ખર્ચે બે તબક્કામાં અંબાજી કોરિડોરનો પણ વિકાસ કરાશે. આ પ્રસંગે ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકર, માવજીભાઈ દેસાઈ, કેશાજી ચૌહાણ, પૂર્વ સાંસદ પરબતભાઇ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, સચિવ રાજેન્દ્ર કુમાર, સભ્ય સચિવ રમેશ મેરજા, જિલ્લા કલેકટર મિહિર પટેલ, ડીડીઓ એમ.જે દવે, એસપી અક્ષયરાજ મકવાણા સહિત સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય હિંમતલાલ દવે, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.