- સુવર્ણ જડિત માતાજીનું મંદિર રોશનીના શણગારથી દેદિપ્યમાન બન્યું
- મંદિરના ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈ
- ભાદરવી પૂનમના મહામેળામાં શ્રધ્ધાનો મહાસાગર છલકાયો
માં અંબાના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મહામેળામાં શ્રધ્ધાનો મહાસાગર છલકાઈ રહ્યો છે. ગઈકાલથી લાખોની સંખ્યામાં માનવમહેરામણ માં ના ચરણોમાં દર્શનાર્થે ઉમટી રહ્યો છે. એકલ દોકલ આવતા પદયાત્રિકો, સંઘમાં આવતા યાત્રિકો, રથ, માંડવી, ગરબા અને ધજા લઈને આવતા માઇભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી ધામને જય અંબે... બોલમાડી... અંબેના નાદથી સતત ગજવી રહ્યો છે.
શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમથી યાત્રાધામ અંબાજીમાં મિનિકુંભનો માહોલ સર્જાયો છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી
માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિ.વહીવટીતંત્ર દ્વારા ભાદરવી મેળાને યાદગાર બનાવવા ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. જેના ભાગરૂપે યાત્રિકો માટે તમામ સુવિધાઓનું સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી છે તો માં અંબાનું શક્તિપીઠ કે જ્યાં માતાજીનું હૃદય બિરાજમાન છે ત્યાં માં ના ચરણમાં શીશ નમાવવા આવતા માઇભક્તોનું હૃદય પણ આનંદ અને ઉલ્લાસની અનુભૂતિ કરે, માના ધામમાં પ્રવેશતાં જ માઇભક્તો આફ્રીન પોકારી ઉઠે એવો રોશનીનો ઝગમગાટ કરાયો છે.
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અંબાજીમાં શક્તિપીઠ સર્કલથી માતાજીના મંદિરમાં પ્રવેશવાના મુખ્ય ગેટ શક્તિદ્વાર તથા મંદિરના ચાચર ચોક અને મુખ્ય મંદિરને અદ્દભૂત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યું છે. શક્તિદ્વાર થી મંદિર જવાના માર્ગ પર રોશનીની એવી જમાવટ કરાઈ છે કે, જાણે આરાસુર ડુંગરની ગિરિમાળાઓમાંથી અસંખ્ય આગિયા માં અંબાના અવસરને પ્રકાશિત કરવા ઊમટી પડયા હોય એવી અનુભૂતિ શ્રધ્ધાળુ ભાવિક ભક્તો કરી રહ્યા છે.