આજે રાજ્યના તમામ મોટા શહેરો સહિત અન્ય નાના શહેરો અને ગામડાઓમાં પણ હોળીની ઉજવણી કરવામાં આવી છે અને અલગ અલગ જગ્યાઓ પર વિવિધ પરંપરાગત રીતે હોળીકા દહન પણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન હોળીની જ્વાળા પરથી પણ ચોમાસાની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને વધુ એક વખત મોટી આગાહી કરી છે.
ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા: અંબાલાલ પટેલ
હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલ મોટી આગાહી કરતા કહ્યું છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે. આ વખતે અલગ પ્રકારનું ચોમાસું રાજ્યમાં આવી શકે છે, જો કે હવામાનના વરતારા પ્રમાણે ચોમાસું બન્યું નથી તેવું પણ અંબાલાલ પટેલે કહ્યું છે. ઉલ્લેખનીય છે કે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવતી આગાહીઓ પ્રમાણે વાતાવરણમાં ફેરફાર જોવા મળતો હોય છે.
ગાંધીનગરના પાલજમાં 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવાઈ
ગાંધીનગરના પાલજમાં 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવાઈ છે. 15 દિવસ પહેલાથી જ પાલજ ગામમાં હોળીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. ગામના લોકો મોટા પ્રમાણમાં ભેગા થઈને સાથે મળીને આ હોળીનું આયોજન કરે છે અને આસપાસના ગામના સહિત દૂર દુરથી લોકો હોળી જોવા માટે આવે છે. ગામના લોકોને સાદ દઈને બોલાવાનો રિવાજ છે. હોળીના દિવસે પાલજમાં ઘરે ઘરે લાડવા બનાવવાનો પણ રિવાજ છે. લોકો ઘરે ઘરે લાડવા બનાવીને ઉજવણી કરે છે.
શક્તિપીઠ પાવાગઢમાં પરંપરાગત હોળી પ્રગટાવવામાં આવી
ત્યારે શક્તિપીઠ પાવાગઢમાં પણ પરંપરાગત હોળી પ્રગટાવવામાં આવી છે. ધાર્મિક વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે હોળીકા દહન કરવામાં આવ્યું છે. પાવાગઢ ખાતે હોળી પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. પાવાગઢમાં હોળી પ્રગટાવ્યા બાદ જ આસપાસના ગામોમાં હોળી પ્રગટાવવામાં આવે છે. પાવાગઢના પ્રવેશદ્વાર પાસે પરંપરાગત હોળીકા દહન કરવામાં આવે છે. આ હોળીકા દહનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.
CM ભુપેન્દ્ર પટેલે હોળીકા દહનમાં લીધો ભાગ
આ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ હોળીકા દહનમાં ભાગ લીધો છે. મુખ્યપ્રધાને થલતેજમાં હોળીકા દહનમાં ભાગ લીધો છે. તમને જણાવી દઈએ કે અહીં ગાયના છાણમાંથી વૈદિક હોળી તૈયાર કરવામાં આવી છે. થલતેજ ખાતે શાસ્ત્રોક્ત વિધિથી હોળીકા દહન થયું છે અને તેમાં ભાગ લેવા માટે મુખ્યપ્રધાન પહોંચ્યા છે.









