- સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે HCની ફટકાર બાદ AMCની કામગીરી
- 2,241 ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી 168 ગેરકાયદેસર કનેક્શનો કાપ્યા
- વેલીડ લાયસન્સ અને મંજૂરી વિનાની 258 મિલકતો સીલ કરવામાં આવી
સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગે ગુજરાત હાઇકોર્ટેની ઝાટકણી બાદ એકાએક AMC તંત્ર સફાળું જાગ્યું છે અને કડક પગલા લેવાનું શરૂ કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા છેલ્લા 18 દિવસમાં 168 ગેરકાયદેસર ડ્રેનેજલાઇન કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે. તેમજ વેલીડ લાયસન્સ અને મંજૂરી વિનાની 258 મિલકતો સીલ કરી છે.
AMCને કડક પગલા લેવાનો આદેશ
મળતી માહિતી મુજબ સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગેની સુઓમોટો જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે AMCને કડક પગલા લેવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટની ફટકાર બાદ AMC તંત્ર સાબરમતી પ્રદૂષણ અંગે કામે લાગ્યું છે. છેલ્લા 18 દિવસમાં AMC 2,241 ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી 168 ગેરકાયદેસર કનેક્શનો કાપ્યા છે. તેમજ વેલીડ લાયસન્સ અને મંજૂરી વિનાની 258 મિલકતો સીલ કરવામાં આવી છે. જે 258 મિલકતો સીલ કરવામાં આવી છે તેમાંથી 66 એકમો GPCB વેલીડ કન્સેન્ટ ધરાવતા ન હતા.
જાણો શું છે સમગ્ર મામલો
સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગેની સુઓમોટો જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ટાસ્ક ફોર્સના ઇન્સ્પેકશન સહિતના મુદ્દે AMC કમિશનર પાસેથી રિપોર્ટ સાથે વિગતવાર જવાબ માંગ્યો હતો અને તા.8મી ઓગસ્ટ સુધીમાં સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો. સાબરમતી નદીમાં પ્રદૂષણ અને ગંદકી મામલે હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપલ કમિશનરની હાઇકોર્ટ દ્વારા ભયંકર ઝાટકણી કાઢવામાં આવી હતી. હાઇકોર્ટે AMC પાસેથી ઇન્સ્પેકશન સાથેનો રિપોર્ટ માંગ્યો હતો અને AMC કમિશનરને પર્સનલી આ મામલામાં મોનિટરિંગ કરવા જણાવ્યું હતું.