અમરેલીમાં આરક્ષિત વિસ્તારમાં ફરતા ત્રણ યુવકોને વાહન સાથે વન વિભાગની ટીમે ઝડપી લીધા હતાં. વન વિભાગ દ્વારા એડવાન્સ રિકવરી પેટે 30 હજારનો દંડ વસૂલ્યો છે. આ ઉપરાંત ત્રણેય યુવકો સામે વન સંરક્ષણ અધિનિયમ-1972ની કલમ અન્વયે ગુનો નોંધાયો છે. આ યુવકોની તપાસમાં અન્ય કેટલાક ઈસમોના નામ ખુલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.


ત્રણ ઇસમો વાહન સાથે ઝડપાયા

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલીમાં ધારી ગીર પૂર્વના સાવરકુંડલા રેન્જ વિસ્તારમાં ફરતા ત્રણ ઇસમોને વન વિભાગની ટીમે દબોચી લીધા હતાં. સાવરકુંડલા રાઉન્ડમાં આવેલ નાનીવડાળ આરક્ષિત વીડી વિસ્તારમાં આંટાફેરા મારતા ત્રણ ઇસમો વાહન સાથે ઝડપાયા હતાં. આ આરક્ષિત વિસ્તારમાં ગેરકાયદે લાયન શો થતાં હોવાથી વન વિભાગનું સઘન પેટ્રોલિંગ ચાલતુ હોય છે.

30 હજારનો દંડ વસૂલવામાં આવ્યો

વન વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન પકડેલા ત્રણેય ઈસમો ગેરકાયદે લાયન શો કરવા ગયા હોવાનું જાણવા મળ્યું હતું. વન વિભાગે એડવાન્સ રિકવરી પેટે 30 હજારનો દંડ વસૂલીને વન સંરક્ષણ અધિનિયમ-1972ની કલમ અન્વયે ત્રણેય ઈસમો સામે ગુનો નોંધ્યો હતો. આ આરક્ષિત વિસ્તારમાં ફરતા મેહુલભાઇ રાઠોડ, સોહિખા પઠાણ અને કલ્પેશ જેઠવા સહિતને વન વિભાગની ટીમે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: