અમરેલી જિલ્લામાં મદ્રેસામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું છે. ધારી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરી મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસે તપાસ શરૂ કરી છે. ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલ મદ્રેસામાંથી ઝડપાયેલા શંકાસ્પદ મૌલાના અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. મૌલાનાને એટીએસના હવાલે કરવામાં આવ્યો હતો. હવે તંત્ર દ્વારા ધારીમાં તે જે મદરેસામાં રહેતો હતો તે મદરેસા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
મફત મળેલા પ્લોટમાં મદરેસા ઉભી કરવામાં આવી
અમરેલીમાં શંકાસ્પદ મૌલાના "મોહમદફઝલ અબ્દુલજીજ શેખ જ્યાં રહેતો હતો તે મદરેસા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ છે.ધારીના હીમખડીપરા વિસ્તારમા સ્થિત મદરેસા પર તંત્રનુ બુલડોઝર ફરી વળ્યું છે. થોડા દિવસ પહેલા પોલીસ તપાસમાં વોટ્સએપમાં "પાકિસ્તાન"ના કેટલાક વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા.શંકાસ્પદ હિલચાલને લઈ જિલ્લા પોલીસવડા અને કલેકટરની અલગ અલગ ટીમોએ મદરેસા અંગે તમામ દિશામાં તપાસ કરતી હતી.શરતભંગ હોવાને કારણે વહીવટી તંત્ર દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરી ડીમોલેશન કરી મદરેસાને તોડી પાડવામાં આવી છે. સરકારે અગાઉ લાભાર્થી માટે માત્ર પ્લોટની ફાળવણી કરી હતી. આ મફત મળેલા પ્લોટમાં મદરેસા ઉભી કરવામાં આવી હતી.
મૌલાનાની પુછપરછ કરતાં મામલો સામે આવ્યો
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને રાજ્યમાં શંકાસ્પદ લોકોની તપાસ હાથ ધરાઈ હતી. આ દરમિયાન અમરેલી પોલીસે ગેરકાયદે રહેતા લોકોની તપાસમાં ધારીના હિમખીમડીપરાના મદરેસામાં ભણાવતા મૌલાના મોહંમદફઝલ શેખ પર શંકા જતાં તેના આધાર પુરાવા માગ્યા હતા.મૌલાનાએ કોઇ આધાર પુરાવા રજૂ ન કરતાં પોલીસે તેની પુછપરછ કરી હતી. જેમાં તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.પોલીસે તેના મોબાઇલની તપાસ કરતાં તેમાંથી પાકિસ્તાન,અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનાં ગ્રુપ મળ્યાં હતાં.









