ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તણાવ બાદ પાકિસ્તાન તરફથી ભારતના શહેરો પર કરવામાં આવેલા હુમલા બાદ ગુજરાતના દરિયા કિનારા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા હતાં. પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. હાલમાં ગુજરાતની દરિયાઈ સીમા પણ એક અજાણી બોટ જોવા મળતા એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી. અમરેલીના જાફરાબાદથી 22 નોટિકલ માઈલ દૂર અજાણી બોટ જોવા મળી હતી. માછીમારોએ આ બોટ અંગે કોસ્ટગાર્ડને જાણકારી આપી હતી. માછીમારોએ બોટને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે બોટ લઈને આવેલા લોકો ભાગી ગયા હતાં.
સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલી સ્થિતિ વચ્ચે ગુજરાતની દરિયાઈ સીમાઓ પર એલર્ટ અપાયું છે. અમરેલીના જાફરાબાદના દરિયામાં 22 નોટીકલ માઈલ દૂર માછીમારોએ એક અજાણી બોટ હોવાની કોસ્ટગાર્ડને માહિતી આપી હતી. ત્યાર બાદ માછીમારોએ આ બોટને રોકવાનો પ્રયાસ કરતાં બોટ લઈને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. ધારાસભ્ય હીરા સોલંકી પણ જાફરાબાદના દરિયા કાંઠે પહોંચી ગયા હતાં.
તમામ લેન્ડિંગ પોઈન્ટ પર પોલીસ વોચ રાખી રહી છે
દરિયામાં પીપાવાવ મરીન પોલીસની બોટ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. તમામ લેન્ડિંગ પોઈન્ટ પર પોલીસ વોચ રાખી રહી છે. વાયરલેસ મારફતે પણ મધ દરિયે માછીમારો સાથે વાતચીત શરૂ કરાઈ છે. અંદરની સ્થિતિ અને શંકાસ્પદ બોટ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. કોસ્ટગાર્ડ દ્વારા આ શંકાસ્પદ બોટને પકડવાનો પ્રયાસ શરૂ કરવામાં આવી રહ્યો છે. સુરક્ષા એજન્સીઓએ તમામ લેન્ડિંગ પોઈન્ટ પર વોચ રાખવાનું શરૂ કરી દીધું છે.









