લખતર તાલુકાના ઢાંકી ગામે ગુજસીટોકનો પેરોલ જંપ કારેલા ગામનો આરોપી ઢાંકીના શખ્સ સાથે ગામના જ વ્યકિત સાથે બોલાચાલી ઝઘડો કરતા સમયે ડફેરે બંધૂકમાંથી ફાયરિગ કરતા સામવાળા સાથે ત્યાં રમતા 11 વર્ષના બાળકને પણ ગોળી વાગતા બંનેને તાત્કાલીક લખતર સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા હતા. ડોકટરે બંનેની તપાસ કરતા બાળકને મૃત જાહેર કરી ગોળી વાગેલ બીજી વ્યકિતને સુરેન્દ્રનગર વધુ સારવાર અર્થે ખસેડાયા હતા. બીજી તરફ પોલીસે અલગ-અલગ ટીમ બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


પ્રાપ્ત વિગતો અનુસાર સાયલાના સુદામડામાં લેન્ડ ગ્રેબીંગના આરોપીના ઘેર ફાયરીંગ,ચોટીલામાં નજીવી બાબતે પાંચ શખ્સો દ્વારા હુમલા બાદ ફાયરીંગ અને હાલ લખતરમાં પેરોલજંપ આરોપી દ્વારા ફાયરીંગની દશ દિવસમાં ત્રીજી ઘટના બની છે.લખતર તાલુકાના કારેલા ગામમાં છેલ્લા ઘણા સમયથી અમુક શખ્સો ચોરી લૂટ ફાટ કરી રહયા હતા.એવામાં કારેલાનો જ ડફેર રસુલ નથુભાઇ ઉપર અગાઉ ગુજસીટોકનો ગુનો દાખલ કરાયા બાદ પેરોલ મળતા હાલ પેરોલ જંપ હોવા છતાય લખતર વિસ્તારમાં ખુલ્લેઆમ ફરી રહયો હતો.ત્યારે ડફેર રસુલ અને ઢાંકી ગામનો એનો મિત્ર કરણ રમેશભાઇ ડુંગરાણી બંન્ને ઢાંકી ગામે બંધુક લઇને આવી ગામની પ્રાથમીક શાળા પાસે ઢાંકીના બાબુભાઇ નારાયણભાઇ કોળી સાથે ઝગડો કરતા હતા.ઝગડા બોલાચાલીનો અવાજ સંભળાતાની સાથે જ બાજુમાં રહેતા દાનાભાઇ ભાવાભાઇ ડુંગરાણી બજારમાં આવી ઝગડતા જોતા છુટા પડાવવાની કોશીસ કરતા સમયે ડફેર રસુલે બંધુકમાંથી ફાયરીંગ કરતા બાબુભાઇ કોળી અને દાનાભાઇના પૌત્ર નિકુલ ઉમર વર્ષ 11 વર્ષ વાળાને છાતીમાં ગોળી વાગી હતી.ફાયરીંગ કરી આ બંન્ને શખ્સો બાઇક લઇને ત્યાંથી નાસી છુટયા હતા અને બાળક સહિત બે લોકોને ફાયરીંગમાં ઇજા થતાની જાણ થતાની સાથે જ ગામના સરપંચ પ્રભુભાઇ સહિતના એકઠા થઇ ગયા હતા અને બંન્ને ઇજાગ્રસ્તને તાત્કાલીક સારવાર માટે લખતર સરકારી હોસ્પીટલ લઇ ગયા હતા.જ્યાં ડોકટરે બાળકને મૃત જાહેર કરી ઇજાગસ્ત બાબુભાઇને સુરેન્દ્રનગર વધારે સારવાર અર્થે ખસેડાયા હતા.આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા એલસીબીના પીઆઇ જે. જે. જાડેજાએ જણાવેલ કે એક આરોપી ડફેર ગુજસીટોકનો પેરોલ જંપ છે અને બીજો સ્થાનીક બંનેની શોધખોળ માટે જિલ્લા એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સહિત અલગ-અલગ પાંચ ટીમ બનાવી તપાસ ચાલુ છે.

પેરોલ જંપ આરોપી ખુલ્લેઆમ ફરતો હતો

લખતરના કારેલા ગામનો રસુલ નથુભાઇ ડફેર ગુજસીટોકના કેસમાં પેરોલજંપ હતો અને લખતર વિસ્તારમાં ખુલ્લેઆમ ફરતો હોવા છતાય લખતર પોલીસ દ્વારા ધરપકડ નહી કરાતા નિર્દોષ બાળકનો ભોગ લેવાતા ગ્રામજનોએ ભારે રોષ વ્યકત કર્યો હતો.


  • Follow us on: