- એ ડિવિઝન પોલીસે ઝડપી લઈ આણંદ ટાઉન પોલીસને જાણ કરી
- પહેરેલ સોનાનો ચેન અને વીંટી સહિત રૂ. 44,500નો સામાન પડાવી લેવાયો
- સામેથી હાઈનો મેસેજ આવતા બન્ને વચ્ચે ચેટ શરૂ થઈ હતી
ચરોતરના આણંદ ટાઉન પોલીસ મથકે ગત જુલાઈ માસમાં હનીટ્રેપનો ગુનો નોંધાયો હતો. જેમાં એક આધેડ વ્યક્તિને હોટેલમાં બોલાવી અશ્લીલ વીડિયો ઉતારી રૂ. 5 લાખની માંગણી કરી હતી. આ કેસનો ફરાર આરોપી કુલદીપ દીપકભાઈ ચારોલા(ઉ.વ.25)સુરેન્દ્રનગરમાંથી પકડાયો છે. આણંદના 53 વર્ષીય આધેડ ગત તા. 23મી જુલાઈના રોજ એક સોશિયલ એપના માધ્યમથી લવ મેચ્યોર નામની આઈડી ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. સામેથી હાઈનો મેસેજ આવતા બન્ને વચ્ચે ચેટ શરૂ થઈ હતી. ત્યારબાદ મોબાઈલ નંબરોની આપ-લે થતા બન્ને ફોન અને વીડિયો કોલથી વાત કરતા હતા. જેમાં તા. 25મી જુલાઈના રોજ કરમસદ પાસેની એક હોટેલમાં આધેડને બોલાવાયા હતા અને આધેડનો અશ્લીલ વીડિયો ઉતારી રૂ. 5 લાખની માંગણી કરી ધમકાવાયા હતા. જો પૈસા ન આપે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ આધેડના ખીસ્સામાંથી રૂ. 4,500ની રોકડ રકમ, તેણે પહેરેલ સોનાનો ચેન અને વીંટી સહિત રૂ. 44,500નો સામાન પડાવી લેવાયો હતો.
આરોપી સામે એ ડીવીઝન પોલીસ મથકે વર્ષ 2015 અને 2019માં મારામારીના ગુનો તથા વર્ષ 2020માં દારૂનો ગુનો નોંધાયો હોવાનું પણ બહાર આવ્યુ છે.










