બનાસકાંઠા જિલ્લામાં "સુજલામ સુફલામ્ જળ અભિયાન - કેચ ધ રેઇન ૨.૦ - ૨૦૨૫" અંતર્ગત કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે મહત્વપૂર્ણ જિલ્લા સ્તરની બેઠકનું આયોજન જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કરાયું હતું. બેઠકમાં જિલ્લાના તમામ ધારાસભ્યો, વિવિધ વિભાગોના અધિકારીઓ તથા અમલીકરણ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.


બનાસકાંઠામાં ૪,૮૦૪ કામોને મંજૂરી આપવામાં આવી
જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા વિવિધ વિભાગોની ભલામણ મુજબ કુલ ૪,૮૦૪ કામોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ગ્રામ વિકાસ એજન્સીના ૨,૯૬૦, વન વિભાગના ૫૧, વોટર સેડ વિભાગના ૪, સ.સ.ન.નિ.લી.ના ૧૧, નગરપાલિકાના ૮૦, જળસંપત્તિ વિભાગના ૧,૩૭૦ અને પાણી પુરવઠા વિભાગના ૩૨૮ કામોનો સમાવેશ થાય છે. બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, “જળ સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે. ભવિષ્યમાં પાણીની સમસ્યાઓ ટાળવા માટે આજે જ સજાગ થવાની જરૂર છે. દરેક ગ્રામ પંચાયત, નગરપાલિકા અને સરકારી વિભાગે સુજલામ સુફલામ અભિયાનના ભાગરૂપે કાર્યક્ષમ અમલ કરી એકરૂપતા અને સમન્વય સાથે કામ કરવું જોઈએ.

અલગ- અલગ વિભાગના અધિકારીઓ બેઠકમાં રહ્યાં હાજર
તેમણે વધુમાં ઉમેર્યું કે, આ અભિયાન માત્ર સરકારી કામગીરી પૂરતું જ નહીં પરંતુ સમાજના તમામ વર્ગના લોકોની સહભાગિતાથી જ સફળ બની શકે છે. ગ્રામજનો, NGO, અને સ્થાનિક સંસ્થાઓએ પણ આ કાર્યમાં સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. તેમણે આ અભિયાન હેઠળના તમામ મંજૂર કામો સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય એ બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, સ્વરૂપજી ઠાકોર, કેશાજી ચૌહાણ, જીગ્નેશભાઈ મેવાણી, માવજીભાઈ દેસાઈ, જિલ્લા અગ્રણી કિર્તીસિંહ વાઘેલા, ડાહ્યાભાઈ પીલીયાતર, પી.જે. ચૌધરી સહિત સર્વે પ્રાંત અધિકારીઓ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • Follow us on: