આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી રખડતાં ઢોરને પકડી ગણેશ ચોકડી નજીક રૂપાપુરા વિસ્તારમાં બ્રીજ નીચે આવેલા પાંજરાપોળ (ઢોર ડબ્બા)માં રાખવામાં આવે છે.
ત્રણ દિવસ અગાઉ આ ઢોર ડબ્બામાં 55 કરતાં વધુ ઢોર હતાં પરંતુ ગત 21મી તારીખના રોજ મધ્યરાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સો આ ઢોર ડબ્બાના મુખ્ય દરવાજાનો નકુચો તોડીને 52 જેટલી ગાયો છોડાવીને લઈ ગયા હતા. જેથી આણંદ મહાનગરપાલિકા તેમજ પોલીસ તંત્ર દોડતું થયું હતું. આખરે પોલીસે છ શખ્સોને ઝડપી પાડીને આગળની તપાસ હાથ ધરી છે.આણંદ ટાઉન પોલીસે ટેકનીકલ સોર્સ, સીસીટીવી ફુટેજ આધારે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આ ઢોર છોડાવી જનાર અર્જુન મનુભાઈ પરમાર (રહે. ચીખોદરા ચોકડી રાજોડ તલાવડી, ગીરનાર સોસાયટીની પાછળ, આણંદ), ભદ્રેશ ઉર્ફે ભયલુ કરશનભાઈ રબારી (રહે. પરીખભુવન, રબારીવાસ આણંદ), સતીશ રામજીભાઈ રબારી (રહે. જીગર સોસાયટી, ગામડી, આણંદ), સુજય યોગેશભાઈ પટેલ (રહે. ગોપાલ ચોકડી લાલજીની ચાલીમાં, આણંદ) દશરથ હેમરાજભાઈ રબારી (રહે. રગડી તલાવડી રબારીવાસ આણંદ) અને દશરથ ચરણભાઈ રબારી(રહે. ગણેશ ચોકડી, રૂપાપુરા, આણંદ)ના હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે આ તમામ શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.










