આણંદ શહેરના વોર્ડ નં. 6ના એક કાઉન્સિલરે રાત્રિના સુમારે એક મહિલાના ઘરમાં ઘુસી જઈને દુષ્કર્મ આચરતા મામલો ટાઉન પોલીસ મથકે પહોંચ્યો હતો. પાલિકાના શાસક પક્ષના કાઉન્સિલરના કરતૂતથી સમગ્ર શહેરમાં ચકચાર સાથે લોકોએ ફીટકાર વરસાવ્યો હતો.
આ ઉપરાંત મહિલાના પતિએ બુમાબુમ કરતા આસપાસમાંથી દોડી આવેલા લોકોએ કાઉન્સિલરને મેથીપાક પણ ચખાડયો હતો. આણંદ ટાઉન પોલીસે મહિલાની ફરિયાદ આધારે આરોપી નગરસેવક દિપુ પ્રજાપતિને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ આણંદ શહેરમાં નગરપાલિકાના વોર્ડ નં. 6ના શાસક પક્ષ ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ પોતાના મત વિસ્તારના એક રહેણાંક વિસ્તારમાં વારંવાર જતો હતો. તે દરમિયાન પીડિતાનો તેણે મોબાઈલ નંબર લીધો હતો અને ત્યારબાદ વારંવાર મોબાઇલથી વાતો કરતો હતો અને મેસેજ પણ મોકલતો હતો.
આ દરમિયાન છ મહિના અગાઉ તેણે પીડિતાના ઘરમાં જઈને બળજબરીથી દુષ્કર્મ કર્યું હતું અને કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જેથી પીડિતા ગભરાઈ ગઈ હતી અને પોતાના પરિવારજનોને જણાવ્યું હતું નહીં અને તેણે દીપુ પ્રજાપતિ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધી હતી. જેથી દીપુ પ્રજાપતિએ તેને વારંવાર મારી સાથે વાતચીત કેમ કરતી નથી. એવું કહીને ધમકીઓ પણ આપી હતી. શનિવારે મોડી રાત્રે 11:30 વાગે ભાજપ કાઉન્સિલર દીપુ પ્રજાપતિ પીડિતાના ઘરમાં ગયો હતો. ત્યારે પીડિતા તેના બે બાળકો સાથે સુતી હતી. તે સમયે દીપુ પ્રજાપતિએ એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું. તે વખતે મહિલાનો પતિ આવી જતા અને તેને ઘટનાની જાણ થતા બૂમો પાડતા આજુબાજુના રહીશો ભેગા થઈ ગયા હતા અને દીપુ પ્રજાપતિને મેથીપાક આપીને ઘરમાં પૂરી દીધો હતો. આ સમયે દીપુ પ્રજાપતિએ પોતાના મોબાઈલ ફોનથી આઠ જેટલા પોતાના મિત્રોને તુરત જ સ્થળ ઉપર બોલાવતો તમામ સ્થળ ઉપર આવી ગયા હતા અને દાદાગીરીથી ઘરના દરવાજા ખોલીને કાઉન્સિલર દીપુ પ્રજાપતિને છોડાવ્યો હતો.
બનાવ અંગે પીડિતાના પરિવાર દ્વારા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં કાઉન્સીલર દિપુ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવી પોલીસે ફરિયાદના આધારે દિપુ પ્રજાપતિને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
નગરસેવક દીપુ પ્રજાપતિને ભાજપે પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ જાહેર કર્યો
આણંદ શહેરમાં ભાજપી કાઉન્સિલર સામે ગંભીર આરોપને કારણે જિલ્લા ભાજપના પ્રમુખ રાજેશભાઈ પટેલે દિલીપ ઉર્ફે દિપુ ગોરધનભાઈ પ્રજાપતિ પાલિકાના વોર્ડ નં-6માં ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા કાઉન્સિલર સામે ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ દાખલ થયેલ છે. જે પાર્ટીની ગરીમાને નુકશાનકર્તા હોવા સાથે પક્ષની શિસ્તભંગનો કિસ્સો બને છે. આ અંગે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલજીની સુચના અનુસાર પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ જવાબદારીમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાનું ફરમાન જારી કર્યું હતું.