આણંદ સર્કિટ હાઉસ ખાતે સમાન સિવીલ કોડ સમિતીની જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઇ હતી. સમાન સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે યુસીસી સમિતી દ્વારા નાગરિકો, અગ્રણીઓ, જનપ્રતિનીધિઓ, વિવિધ ધર્મના અગ્રણીઓના પ્રતિભાવો મેળવવામા આવ્યા હતા. જેમાં નાગરિકો, ધાર્મિક અને સામાજિક અગ્રણીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
યુસીસી કાયદાના અમલ માટે રાજ્ય સરકાર દ્વારા એક સમિતીની રચના કરવામા આવી છે. સમાન સિવિલ કોડ સંદર્ભમાં યુસીસી સમિતી દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઇ લોકોના પ્રજાજનોના પ્રતિભાવો મેળવવામા આવી રહ્યા છે. ત્યારે શનિવારે આણંદ ખાતે કલેક્ટર પ્રવિણ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલી સમિતીના સભ્યો સી.એલ.મીણાં અને આર.સી.કોડેકરની અધ્યક્ષતામાં આણંદ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સાધુ-સંતો અને નાગરિકો સાથે બેઠક યોજી હતી. સી.એલ.મીણાએ જણાવ્યુ હતુ કે રાજ્યમા સમાન સિવિલ કોડના અમલીકરણ અગાઉ નાગરિકોના અભિપ્રાય જાણવા ખુબ જ જરૂરી છે.સમાનતા, મહિલાઓ અને બાળકોને ધ્યાનમા રાખીને યુસીસીનો મુદ્દો ધ્યાનમા રાખવામા આવશે. નાગરિકો પાસેથી મળેલા અભિપ્રાયોના અભ્યાસ બાદ સમિતી યુસીસી અંગેનો વિસ્તૃત્ત અહેવાલ રજુ કરશે. રાજ્યનો કોઇપણ નાગરિક યુસીસી કાયદા માટે યુસીસી કમિટી કર્મયોગી ભવન સેક્ટર-10એ ગાંધીનગર ખાતે પત્ર દ્વારા પોતાના વિચારો-મંતવ્યો રજૂ કરી શકશે. ઉપરાંત યુસીસી કાયદાના પોર્ટલ ઉપર પણ પોતાના વિચારો રજુ કરી શકશે. તેમણે વધુને વધુ નાગરિકોને પોતાના મંતવ્યો રજૂ કરવા અનુરોધ કર્યો હતો. બેઠકમા મનપા કમિશ્નર મિલીંદ બાપના, ડીડીઓ દેવાહુતિબેન, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર આર.એસ.દેસાઇ, સરદાર પટેલ યુનિ.ના કુલપતિ પ્રો. ડૉ.. નિરંજન પટેલ, તબીબો, વકીલો, સામાજિક કાર્યકરોએ કાયદા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.










