આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ બે કેસ નોંધાતા કોરોનાના કુલ દર્દીઓનો આંક ત્રણ પર પહોંચ્યો છે. જે પૈકી બે દર્દી પેટલાદના તથા એક આણંદના હોવાનું સત્તાવાર સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. જિલ્લામાં ધીમે ધીમે કરીને કોરોનાની સંક્રમણ વધતા પ્રજાજનોમાં ગભરાટ ફેલાવા લાગ્યો છે. ટ્રેજેડી તો એ છે કે જિલ્લા આરોગ્ય તંત્ર કોરોનાની આ સ્થિતિને ગંભીરતાથી લેતું નથી.


ખુદ આરોગ્ય તંત્રની જ આવી બેદરકારી આણંદ જિલ્લામાં કોરોનાની સ્થિતિને વધુ ગંભીર બનાવે તો નવાઈ નહીં. છ દિવસ અગાઉ કોરોના પોઝિટિવનો એક કેસ નોંધાયો હતો. ત્યારબાદ વધુ બે દર્દીએ કોરોનાની લપેટમાં આવ્યા છે. હાલમાં આ ત્રણેય દર્દી હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. જિલ્લામાં ધીમે ધીમે કરીને કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. તો બીજી બાજુ જિલ્લામાં આણંદ જનરલ હોસ્પિટલ અને પેટલાદ ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મળી ફ્ક્ત બે જગ્યાએ આરટીપીસીઆરના ટેસ્ટિગની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઇ છે. જેને લઈને આ બંને સેન્ટરથી દૂરના વિસ્તારમાં રહેતા તેમજ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા દર્દીઓને સમયસર આરટીપીસીઆરના ટેસ્ટીંગની સુવિધા મળતી નથી. ફ્ક્ત બે જગ્યાએ આ ટેસ્ટીંગની વ્યવસ્થા હોવાથી શંકાસ્પદ લક્ષણ ધરાવતા કેટલાક દર્દીઓ ટેસ્ટિંગ કરાવવાનું પણ ટાળી રહ્યા હોવાનું કહેવાય છે. ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો આંક વધી રહ્યો છે ત્યારે આણંદ જિલ્લામાં આરોગ્ય તંત્રની અટપટી વ્યવસ્થાના કારણે ખુદ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ દર્દીઓનો આંકડો જાણવા માટે જે તે હોસ્પિટલોનો સંપર્ક કરવો પડે તેવી સ્થિતિ છે. આણંદ જનરલ હોસ્પિટલ અને પેટલાદની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આરટીપીસીઆરના ટેસ્ટિંગની જે વ્યવસ્થા છે તેનું રેપોર્ટિંગ જિલ્લા આરોગ્ય તંત્રના ઉચ્ચ અધિકારીઓને થતું નથી. બલ્કે હોસ્પિટલને આપવામાં આવેલા પોર્ટલ ઉપર રેપોર્ટિંગ કરવામાં આવે છે. આમ ટેસ્ટિંગ અને દર્દીઓના આંકડા અંગેની માહિતીના સેન્ટ્રલાઈઝેશનનો અભાવ હોવાના કારણે જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓની પાસે પણ આણંદ જિલ્લામાં આરટીપીસીઆરના ટેસ્ટિંગ કરાયેલા દર્દીઓ તેમજ શંકાસ્પદ દર્દીઓની માહિતી હોતી નથી. આ અધિકારીઓને પણ પોર્ટલ ફ્ંફેસીને ટેસ્ટિંગ અને દર્દીઓના આંકડાની વિગતો લેવી પડે તેવી સ્થિતિ તંત્રએ જાતે જ ઊભી કરી છે. જિલ્લા લગભગ દસેક દિવસથી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પિયુષ પટેલ રજા પર છે. જ્યારે એડીએચઓ ડો. પૂર્વી નાયકની પાસે સેન્ટ્રલાઈઝેશનના અભાવે માહિતી ઉપલબ્ધ ન હોય તેવી વરવી સ્થિતિ જોવા મળી છે. આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે જિલ્લા આરોગ્ય તંત્રમાં પણ કેવી લાલિયાવાડી ચાલે છે, તેનો આ નમૂનો છે. આ સ્થિતિમાં જિલ્લામાં કોરોના સંક્રમણ વધે તો નવાઈ નહીં. તેથી ઉચ્ચ કક્ષાએથી યોગ્ય વ્યવસ્થા ગોઠવી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકે તેવા પગલાં ભરવાની જરૂર છે.


  • Follow us on: