હોળી-ધૂળેટીના તહેવારો નજીક આવતા ધાણી, ચણા, ખજૂર સહિત અન્ય વસ્તુઓના ભાવમાં 20થી 30 ટકા જેટલો વધારો તો અત્યારથી જ થઈ ચૂક્યો છે. જેને લઈ હોળી-ધૂળેટીની ખરીદીની વિવિધ ચીજ વસ્તુઓના ભાવ અત્યારથી જ બેકાબૂ બન્યા છે.
હજુ તહેવારોના આડે ચાર દિવસ જેટલો સમય બાકી છે, ત્યાં તો આણંદ શહેર સહિત વિદ્યાનગર જેવા વિસ્તારોમાં અત્યારથી જ હોળી માટેની ખાદ્ય ચીજોના ઉપરાંત ધૂળેટીના કલરના ભાવમાં વધારો ઝીંકાયો છે. ચાર દિવસ પછી હોળી અને ધૂળેટીના દિવસે તો ભાવમાં હજુ બીજા દસ ટકા જેટલો વધારો ઝીંકવામાં આવે તો નવાઈ નહીં ! હોળી - ધૂળેટીના અગાઉના દિવસોમાં આવો ભાવવધારો ગ્રાહકો માટે હૈયાહોળી કરાવે તેવો છે. આણંદના રહીશ જયેશભાઈ પરમાર જણાવે છે કે ગઈકાલ સુધી 60 રૂપિયે કિલો વેચાતી જુવારની ધાણીના ભાવ 100 રૂપિયાની આસપાસ પહોંચ્યા છે. આવી જ સ્થિતિ મકાઈની ધાણીમાં પણ છે. હમણાં સુધી 100 રૂપિયે કિલોના ભાવે વેચાતી આ ધાણીના ભાવ અત્યારે જ 140 પર પહોંચ્યા છે. કિલોના 80 રૂપિયાની આસપાસના ભાવે વેચાતા ખજૂરનો ભાવ 100 રૂપિયા ઉપર પહોંચ્યો છે. જ્યારે બસો રૂપિયે કિલોના ભાવે વેચાતા ચણા હમણાં તો 240 રૂપિયાની આસપાસમાં વેચાવા લાગ્યા છે. હોળી-ધૂળેટીના પર્વને આમ તો ચાર દિવસની વાર છે. પરંતુ ચાર દિવસ પછી તો આજના ભાવમાં હજુ બીજા દસ ટકા જેટલો વધારો ઝીંકાય તો નવાઈ નહીં ! આણંદ સહિત ચરોતરમાં લોકોને મોંઘવારીનો માર સહન કરીને હોળી અને ધૂળેટીના તહેવારોની ઉજવણી કરવી પડશે. વેપારીઓના મત મુજબ ધાણી, ખજૂર અને ચણા સહિત હાઈડા અને સેવોના ભાવમાં 10થી 15 ટકાનો ભાવ વધારો તો અમારે પણ ચૂકવવો પડી રહ્યો છે.










