સરકાર દ્ધારા મધ્યાહન ભોજન યોજનાનું પણ હવે ખાનગીકરણ કરવાના આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની સામે પીએમ પોષણશક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના કર્મચારીઓએ સખત નારાજગી વ્યક્ત કરી છે.
ગુજરાત રાજ્યમાં ભારત સરકારની ગાઈડલાઈન મુજબ જે તે શાળાના ઉપલબ્ધ સુવિધા સાથેના રસોડામાં સ્થાનિક રસોઈયા દ્ધારા તાજુ ભોજન અને નાસ્તો બનાવવાની વ્યવસ્થા ચાલુ રાખવાની માંગ કરવામાં આવી છે. આ માગણી સાથે ઉપરોક્ત કર્મચારી સંઘ દ્ધારા આજે આણંદ કલેક્ટરાલયમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં માંગ કરવામાં આવી છે કે પીએમ પોષણશક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા અને શ્રમ અને રોજગાર વિભાગના અસંગઠીત શ્રમિક તરીકે નોંધાયેલા કામદારોને અન્ય કામદારોની માફક સામાજિક સુરક્ષા સહિતના તમામ લાભો મળવા જોઈએ. આ યોજનાના માનદ્ વેતન ધારક કર્મીઓ 11 માસના કરાર આધારિત રીન્યુએબલ નિમણૂંક ધરાવતા હોવાથી તેમની નિવૃત્તિની કોઈ વયમર્યાદા હોતી નથી. તેમ છતાં 60 વર્ષ બાદ તેમને રીન્યુ કરવામાં આવતા નથી. ખાસ કરીને વિધવા અને ત્યક્તા તથા ગરીબ બહેનોને ઉંમરના એવા તબક્કે કામથી દૂર કરવામાં આવે છે કે જ્યારે એમને ભોજન અને માનદ્ વેતનની ખૂબ જરૂર હોય છે. એથી આવા કર્મચારીઓને તંદુરસ્તીના પ્રમાણપત્રના આધારે 65 વર્ષ સુધી સેવામાં ચાલુ રાખવાની માંગ કરવામાં આવી છે. જુદી જુદી ત્રણ માગણીઓ સાથેનું મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરાલયમાં ઉપરોક્ત કર્મચારી સંઘ દ્ધારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે ત્રણ પડતર માગણીઓ અંગે સરકાર દ્ધારા કોઈ જાહેરાત ન થતા નારાજ થઈ આ આવેદનપત્ર આપવાની ફરજ પડી છે.